Today Gujarati News (Desk)
જામનગર શહેરના જ વતની એવા ગુજરાત રાજયના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી કે જેઓ ગઈકાલે રવિવારે સૌપ્રથમ વખત પોતાના માદરે વતન જામનગરના મહેમાન બન્યા હતા, અને ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ પ્રસંગે શહેરના આંગણે પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટના ૯ થી વધુ જજ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગના વતની અને બાર એસોસીએશનના સભ્ય સોનીયાબેન ગોકાણીની ગુજરાત રાજયના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને રાજયના તેઓ પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ બન્યા છે. ત્યારે ગઈકાલે રવિવારે જામનગર બાર એસો. ડીસ્ટ્રીકટ અને સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના સંયુકત ઉપક્રમે ટાઉનહોલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત રહેલા રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસને પોતાના વતનમાં ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. શહેરની મધ્યમાં આવેલા ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં શહેરના આંગણે પ્રથમ વખત હાઇકોર્ટના ૯ થી વધુ ન્યાયાધીશ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મીડીયેટરની સેવા આપનાર વકીલોનું સન્માન, પોકસો અવેરનેસ પર નાટક, તેમજ દિવ્યાંગ બાળકોની ખાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.