Today Gujarati News (Desk)
દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને રોજગારીનું સર્જન થાય તે માટે પીએમ મોદીની સરકાર સતત મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. તેમાં ડિફેન્સ પ્રોડક્ટ પણ સામેલ છે જેથી સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત વસ્તુઓની આયાતમાં ઘટાડો કરી શકાય. તેના માટે દેશમાં ડિફેન્સ કોરિડોર જેવી યોજના પણ બનાવાઈ છે. હવે અહેવાલ છે કે સ્વિડનની પ્રસિદ્ધ કાર્લ ગુસ્તાફ રાઈફલ પણ ભારતમાં જ તૈયાર થશે.
ડિફેન્સ કંપની સાબએ બનાવી યોજના
સ્વિડનની ડિફેન્સ કંપની સાબએ ભારતમાં કાર્લ ગુસ્તાફ રાઈફલની ફેક્ટરી સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેનાથી ભારતીય સશસ્ત્ર દળો માટે મલ્ટી રોલ હથિયાર સિસ્ટમના ઉત્પાદનમાં મદદ મળશે. સ્વિડિશ કંપનીના ભારતીય એકમ સાબ ઈન્ડિયા ટેક્નોલોજિસ આ ફેક્ટરીને મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ સ્થાપિત કરશે.
સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થશે કાર્લ ગુસ્તાફ રાઈફલ
અહીં તૈયાર થનાર કાર્લ ગુસ્તાફ રાઈફલ ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થશે. તેને ભારતીય સૈન્યની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરાશે. આટલું જ નહીં સાબ ઈન્ડિયા ટેક્નોલોજીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મેટ્સ પામબર્ગે કહ્યું કે આ રાઈફલના ઉત્પાદન માટે કંપની ભારતમાં નાના સપ્લાયર્સ સાથે પણ ભાગીદારી કરશે.