Today Gujarati News (Desk)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં અતિક્રમણવિરોધી અભિયાન અંગે ભાજપ સામે નિશાન તાક્યું. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકો રોજગારી, સારો વેપાર-ધંધો અને પ્રેમની રાહ જોઈ રહ્યા હતા અને તેની જગ્યાએ ભાજપે બુલડોઝર ફેરવી નાખ્યું.
100 ટકા અતિક્રમણ હટાવવાનો નિર્દેશ
કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપી જેવા અનેક મોટા પક્ષોએ આ અભિયાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને તાત્કાલિક રોકવાની માગ પણ કરી હતી. મહેસૂલ વિભાગ દ્વારા તમામ ડેપ્યુટી કમિશનરોને સરકારી જમીનો પરથી 100 ટકા અતિક્રમણને હટાવી દેવાનો નિર્દેશ અપાયો હતો જેના બાદથી જમ્મુ-કાશ્મીરમાં 10 લાખ કનાલથી વધુ જમીન અતિક્રમણથી મુક્ત કરાવાઈ છે.
લોકોને જોડવાનું કામ કરો તોડવાનું નહીં : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર રોજગાર, સારો ધંધો વેપાર અને પ્રેમ ઈચ્છે છે પણ તેમને બદલામાં મળ્યું શું? ભાજપનું બુલડોઝર. તેમણે કહ્યું કે અનેક દાયકાથી જે જમીન ત્યાંના લોકોએ મહેનતથી સિંચી, તેને આજે છીનવી લેવામાં આવી રહી છે. શાંતિ અને કાશ્મીરિયતની રક્ષા જોડવાથી થશે તોડવા અને લોકોને વિભાજિત કરવાથી નહીં થાય. રાહુલ ગાંધીએ આ ટ્વિટની સાથે જમ્મુ-કાશ્મીરમાં અતિક્રમણવિરોધી અભિયાનને લઈને લોકોમાં ગભરાટવાળા અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.