Today Gujarati News (Desk)
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ TMCને આતંકવાદ, માફિયા અને ભ્રષ્ટાચાર માટેની પાર્ટી ગણાવતા બંગાળમાં પી.એમ. આવાસ યોજનાના અમલીકરણમાં મોટી ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો.
નડ્ડાએ કહ્યું હતું કે BJP મમતા બેનર્જીના જંગલરાજને સમાપ્ત કરશે જ્યાં દરરોજ હિંસા થતી રહી છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી પશ્ચિમ બંગાળમાં PMAYનું ઓડિટ થઈ રહ્યું છે, ત્યારથી મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. આ દર્શાવે છે કે જે લોકો પાસે બે-ત્રણ માળની ઈમારત છે તેમને યોજના હેઠળ મકાનો મળ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ સ્થિતિ છે.
નડ્ડાએ એ પણ કહ્યું હતું કે મહિલા મુખ્યમંત્રી હોવા છતા પશ્ચિમ બંગાળમાં મહિલાઓની વિરૂદ્ધ અપરાધના સંદર્ભમાં ટોચ પર છે. TMCનો અર્થ આતંક, માફિયા અને ભ્રષ્ટાચાર છે. પશ્ચિમ બંગાળમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. SSC ભરતી હોય કે અન્ય કોઈપણ પ્રકારની ભરતી, નોકરીઓ વેચાઈ રહી છે.
જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે અમે અહીંયા સરકાર ન બનાવી શક્યા… કોઈ વાંધો નથી. આગામી સમયની તૈયારી કરો અમે ચોક્કસથી અહીં સરકાર બનાવીશું. મોદીજીએ ક્યારેય બંગાળ સાથે ભેદભાવ કર્યો નથી. મોદીજી બંગાળને આગળ લઈ જવા માટે સમર્પિત છે.