Today Gujarati News (Desk)
ગુજરાતના રાજકારણમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે. સુત્રોમાંથી મળતા થોડા દિવસોમાં ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. આ માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ અગાઉ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. હવે ચૂંટણીમાં કારમો પરાજય મળતાં નવા અધ્યક્ષની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને પ્રતિનિધિત્વ આપી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન કરનાર કોંગ્રેસ દ્વારા નવા અધ્યક્ષ માટે કવાયત તેજ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ હાલના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. પરાજય બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં હારનું કારણ શોધતી કોંગ્રેસે રાજ્યમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા તરીકે પસંદ કર્યા હતા. હવે નવા અધ્યક્ષ માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તૈયારીઓ શરુ કરી દીધી છે. સુત્રોમાંથી મળતી મુજબ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ પરેશ ધાનાણી બને તેવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે.