Today Gujarati News (Desk)
હસતા-હસતા આઠ ગ્લાસ પાણી ઉપરા છાપરી પીધા પછી હત્યારાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, અભી તીન ખુન ઔર કરને વાલા થા. વસ્ત્રાપુર લેકમાં થયેલી યુવકની હત્યા કેસમાં હત્યારાની મેરેથોન પૂછપરછ દરમિયાન પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો અને અંતે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. હત્યારાએ છેલ્લે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પીને કા પાની નહીં દીયા તો પાવડે સે કાટ દીયા. હત્યારો યુવક સાઇકો હોવાનું મનાઇ રહ્યું છે, ત્યારે તે કયા ત્રણ વ્યકિતની હત્યા કરવાનો હતો તેની પણ ઉડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે.
કેમ કરાઇ હતી હત્યા?
વસ્ત્રાપુર લેકમાં થોડા દિવસ પહેલા લાલા સંગાડા નામના યુવકની દસ કરતા વધુ પાવડાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. હત્યા થઇ તેના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો હતો. વસ્ત્રાપુર પોલીસ સીસીટીવી કેમેરાના આધારે હત્યા કરનાર રામજતન મુખીયાની ધરપકડ કરી લીધી હતી. રામજતન મુખીયા મૂળ નેપાળનો રહેવાસી છે અને વસ્ત્રાપુર ખાતે આવેલી પીઝાની હોટલમાં નોકરી કરતો હતો. રામજતન મુખીયા વસ્ત્રાપુર લેકમાં ફરવા માટે ગયો હતો ત્યારે તેને પાણીની તરસ લાગી હતી. વસ્ત્રાપુર લેકમાં ચોકીદાર લાલા સંગાડા ખાટલામાં સૂતો હતો ત્યારે રામજતન મુખીયા તેની પાસે ગયો હતો અને પીવાનું પાણી માંગ્યુ હતું. લાલાએ પાણી આપવાનો ઇન્કાર કરી દેતા રામજતન મુખીયા ઉશ્કેરાયો હતો અને તરત જ પાવડા વડે હુમલો કરી દીધો હતો. પાવડાના દસથી વધુ ઘા ઝીંકીને રામજતને લાલાનું ઢીમ ઢાળી દીધું હતું અને ત્યાથી ફરાર થઇ ગયો હતો.
હત્યાનો આ નઝારો ઇવનીંગ વોક કરવા માટે આવેલા ત્રણ યુવકોએ જોયો હતો પરંતુ તેમને રામજતનને પકડવાની જગ્યાએ મુકપ્રેક્ષક બનીને નીકળી ગયા હતા. રામજતને લોહીથી ખરડાયેલો પાવડો વસ્ત્રાપુર લેકના ગેટ પાસે મુકી દીધો હતો અને બાદમાં પીઝાની હોટલમાં જઇને કપડા બદલી નાખ્યા હતા. હત્યા વખતે પહેરેલા કપડાને કબાટમાં મુકીને રામજતન પોતાના કામ તરફ વળ્યો હતો. લાલાની હત્યા કેસમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. એક પછી એક સીસીટીવી ફુટેજ જોતાની સાથે જ હત્યારો પીઝાની હોટલમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન હત્યારાની કબૂલાત
પોલીસે રામજતનની ધરપકડ કરી રહી હતી, ત્યારે તેને પોલીસ પૂછપરછ કરે તે પહેલા રામજતન એક સાથે આઠ ગ્લાસ પાણી પી ગયો હતો અને તેને લાલાની હત્યા કરી હોવાનો કઇ અફસોસ પણ હતો નહીં. પોલીસ તેને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જ્યાં તેણે પોલીસ સમક્ષ હસતા હસતા જણાવ્યું હતું કે, અભી તીન ખુન ઔર કરને વાલા હું. જ્યારે પોલીસ પીઝાની હોટલમાં પહોંચી ત્યારે રામજનત એકદમ ગભરાઇ ગયો હતો અને પોલીસ કોન્સ્ટેબલનું ગળું દબાવવાની પણ કોશિશ કરી હતી. જોકે પોલીસે બળનો ઉપયોગ કરતા તેને ધક્કો મારી દીધો હતો. મોડીરાત સુધી પોલીસની મેરેથોન પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, પીને કા પાની નહીં દીયા તો પાવડે સે કાટ દીયા.