Today Gujarati News (Desk)
અમદાવાદ: હાલ રાજ્યમાં જાણે ત્રણ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે (Gujarat Weather Forecast). રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે ગરમી લાગી રહી છે. આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા વિસ્તારમાં તેજ ઠંડા પવન ફુંકાયા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ બદલાતા રાજ્યમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.
બીજી બાજુ, વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. માવઠા જેવા માહોલથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે તેમ છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. ચાલુ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી પડી છે અને તાપમાનમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. જોકે, ઠંડી ઘટતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હજુ તો ઉનાળો શરૂ પણ થયો નથી અને મહત્તમ તાપમાન 36 ડીગ્રીએ પહોંચી ગયું છે.
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને નવી આગાહી કરવામાં આવી છે. જે અનુસાર, રાજ્યમાં એકાદ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો રહેશે. 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થશે. જ્યારે મહત્તમ તાપમાન ઊંચું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
રાજ્યમાં હાલ લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. રાત્રે તથા વહેલી સવારે ઠંડીનો હળવો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 40ની નજીક પહોંચવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધુમ્મસને કારણે રોડ પર વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર વાતાવરણ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળીના પાકોમાં નુકસાનની ભીતિ છે.