Today Gujarati News (Desk)
એર ઈન્ડિયાએ હાલમાં જ 500 નવા વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. અહેવાલો અનુસાર, એર ઈન્ડિયાના આ કરાર 100 બિલિયન ડોલરના હોય શકે છે. એવી ધારણા છે કે, નાગરિક ઉડ્ડયન ઇતિહાસના આ સૌથી મોટા કરાર હોય શકે છે. કરાર હેઠળ એર ઈન્ડિયા આ વિમાનો ફ્રેન્ચ કંપની એરબસ અને યુએસ કંપની બોઈંગ પાસેથી ખરીદશે. કંપની આવતા સપ્તાહ સુધીમાં આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
અહેવાલો મુજબ, એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે, જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. અને બોઈંગ પાસેથી ખરીદવામાં આવનાર 220 એરક્રાફ્ટમાંથી 190 મેક્સ 737 નેરોબોડી જેટ અને 20 વાઈડબોડી 787 જેટ અને 10 777xs એરક્રાફ્ટ હશે. જો કે, આ ઓર્ડરમાં ફેરફાર પણ થઈ શકે છે. અત્યાર સુધી એરબસ કે એર ઈન્ડિયા દ્વારા આ ડીલની પુષ્ટિ થઈ નથી.
મળતા અહેવાલો અનુસાર, 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાએ પોતાના સ્ટાફને પત્ર લખીને નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવા માટે ઐતિહાસિક કરાર વિશે જાણકારી આપી હતી. આ સાથે એર ઈન્ડિયા આ ડીલ દ્વારા પોતાને ઈંધણ કાર્યક્ષમ બનાવવાનો પણ પ્રયાસ કરી રહી છે જેથી ઈંધણની કિંમતમાં ઘટાડો કરી શકાય. એર ઈન્ડિયાના કાફલામાં મોટાભાગના એરક્રાફ્ટ જૂના છે. એર ઈન્ડિયા તેના નવા એરક્રાફ્ટ સાથે અમીરાત અને કતાર એરવેઝ જેવી મોટી એરલાઈન્સને પણ પડકારવાની તૈયારી કરી રહી છે.