Today Gujarati News (Desk)
રાજકોટ: રાણો રાણાની રીતે ફેઇમ દેવાયત ખવડ દ્વારા વચગાળાના જામીનની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન કોર્ટમાં વચગાળાની અરજી કરવામાં આવી હતી. જેમાં 25 દિવસ માટે જામીન સેશન કોર્ટમાં માગવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલો કરાઈ હતી.
દેવાયત ખવડના વકીલ દ્વારા 25 દિવસ માટે જામીન સેશન કોર્ટમાં માગવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન સરકારી વકીલ દ્વારા દલિલો કરવામાં આવી હતી અને જે બાદ સમગ્ર મામલે કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. પોલીસનો અભિપ્રાય મળ્યા બાદ કોર્ટ દ્વારા જામીનની અરજીને રદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હત્યાના પ્રયાસના ગુનામાં દોઢ માસ કરતા વધુ સમયથી દેવાયત ખવડ અને તેના સાગરીતો જેલવાસ ભોગવી રહ્યા છે.
જામીન અરજી અંતર્ગત દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, દેવાયત ખવડ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ શિવરાત્રીના કાર્યક્રમો અગાઉ બુક કરવામાં આવ્યા હતા. જે પૈકી ઘણા કાર્યક્રમો એડવાન્સ રકમ લઈને બુક કરવામાં આવ્યા હતા. ત્યારે એડવાન્સ રકમ લઈને બુક કરેલા કાર્યક્રમો રદ થઈ શકે તેમ નથી. કાર્યક્રમ રદ કરવામાં આવે તો પણ જેલ વાસના કારણે પોતે રકમ પરત કરી શકે તે પ્રકારની આર્થિક ક્ષમતા નથી. ત્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈ કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારબાદ તે સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ipc ની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર બનાવમાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નહોતી. તમામ આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસ શોધખોળ બાદ પણ આરોપીઓ મળી આવ્યા નહોતા. પરંતુ આરોપીઓ સામેથી આવીને પોલીસ સમક્ષ હાજર થયા હતા.