Today Gujarati News (Desk)
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણાને જામીન આપ્યા છે. ચિત્રા રામકૃષ્ણ પર એનએસઈ કર્મચારીઓના ગેરકાયદેસર ફોન ટેપિંગ અને મની લોન્ડરિંગનો આરોપ છે.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ જસમીતએ એનએસઈ કો-લોકેશન કૌભાંડમાં ગત વર્ષે ૧૪ જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરાયેલા ચિત્રાને જામીન આપ્યાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દલીલ કરી હતી કે ચિત્રા સમગ્ર કેસની માસ્ટરમાઇન્ડ હતી તેથી તેને જામીન ન આપવા જોઇએ. સપ્ટેમ્બર ૨૦૨૨માં તેમને સીબીઆઈ કેસમાં જામીન મળ્યા હતા પરંતુ ઈડી કેસમાં જામીન ન મળવાને કારણે તેણીને મુક્ત કરાયા નહોતા.
ઈડીએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૯થી ૨૦૧૭ સુધી એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ રવિ નારાયણ રામકૃષ્ણ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રવિ વારાણસી અને હેડ (એનએસઈ ઓફિસ કોમ્પ્લેક્સ) મહેશ હલ્દીપુર સહિત અન્યોએ એનએસઈ અને તેના કર્મચારીઓ સાથે પોતાના ફાયદા માટે છેતરપિંડી કરી હતી. આ અધિકારીઓએ એનએસઈની સાયબર નબળાઈઓ શોધવા માટે આઈસેક સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડને હાયર કરી હતી પરંતુ તેની આડમાં તેઓ કર્મચારીઓના ફોન ટેપ કરી રહ્યાં હતા.
ચિત્રા રામકૃષ્ણને ૨૦૦૯માં એનએસઈના જોઈન્ટ એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૩૧ માર્ચ ૨૦૧૩ સુધી આ પદ રહ્યાં બાદ ૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ એમડી અને સીઈઓ તરીકે તરીકે બઢતી આપવામાં આવી હતી. એનએસઈમાં ચિત્રાનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૧૬માં પૂરો થયો.