Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે ચર્ચાઓ ચાલી રહી છે, તે ચર્ચામાં સામેલ થઈ હું આદરણીય રાષ્ટ્રપતિનો આભાર માનું છું. સંબોધન દરમિયાન વિપક્ષોએ સૂત્રોચ્ચાર કરતા PM મોદીએ વિપક્ષોને ‘ગુલાલ’થી વળતો જવાબ આપ્યો હતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નહેરુ પરિવારની પેઢીને નહેરુ નામ રાખવામાં વાંધો કેમ છે. બંને ગૃહનો સંબોધતા રાષ્ટ્રપતિએ વિકસિત ભારતનો રોડમેપ રજુ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઈ-ભાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ પીએમ મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધમાં વધુમાં જણાવ્યું કે, આજે યુથ વિરોધી નીતિ ધરાવતા લોકોને યુવાઓ નકારી રહ્યા છે. સરકારી યોજનાઓમાં નામો અંગે વાંધો ઉઠાવવા પર PM મોદીએ કહ્યું કે, મેં કેટલાક અખબારમાં વાંચ્યું છે કે ગાંધી-નેહરુ પરિવારના નામ પર 600 સરકારી યોજનાઓ છે. જો નેહરુના નામનો ઉલ્લેખ ન થાય તો તેમના વાળ ઉભા થઈ જાય છે. તેમનું નામ કેમ ન આપ્યું… મને એ સમજાતું નથી કે તેમની પેઢીના કોઈ પણ વ્યક્તિને નેહરુ સરનેમ રાખવામાં શરમ કેમ આવે છે.
વિપક્ષના સૂત્રોચ્ચારનો PM મોદીએ આપ્યો વળતો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોના સૂત્રોચ્ચારનો વળતો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું કે, કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે. તેમણે કહ્યું કે, ‘કાદવ તેમની પાસે હતું, મારી પાસે ગુલાલ… જે પણ જે લોકો પાસે હતું, તેણે દીધું ઉછાળી…’ મોદીએ કહ્યું કે, જેટલું કાદવ ઉછાળશો, કમળ તેટલું વધુ ખિલશે. અમારી સફળતામાં તમારું યોગદાન ભૂલી શકાય તેમ નથી.
ભારતમાં પાણીની સમસ્યા, જે તમામ પરિવારોની સમસ્યા : મોદી
પીએમએ કહ્યું, આઝાદીથી અત્યાર સુધીમાં અમારી સરકાર આવી ત્યાં સુધી માત્ર 3 કરોડ ઘરોને નળથી પાણી મળતું હતું. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં 11 કરોડ ઘરોને નળ દ્વારા પાણી મળી રહ્યું છે. ભારતમાં પાણીની સમસ્યા, જે તમામ પરિવારોની સમસ્યા હોય છે. પાણી વગર જીવન અશક્ય છે. અમે દેશના તમામ ઘરો સુધી પાણી પહોંચે તે દિશામાં કામ કર્યું. આ દેશના અડધાથી વધુ લોકો બેંકના દરવાજા સુધી પહોંચી શક્યા ન હતા. અમે તેનો કાયમી ઉકેલ શોધ્યો. છેલ્લા 9 વર્ષમાં 48 કરોડ જનધન બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા. આમાંથી ગામડાઓ અને નાના વિસ્તારોમાંથી 32 કરોડ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા.