Today Gujarati News (Desk)
આજે અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય તેમજ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.
આગામી માર્ચ મહિનામાં શરુ થનારી બોર્ડની પરીક્ષા પહેલા ડીઈઓ કચેરી દ્વારા નવા પ્રયોગ સ્વરુપે આજથી શહેરમાં પ્રિ-બોર્ડની પરીક્ષા શરુ થઈ છે. આ માટે શહેરની 600 શાળાઓમાં પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષા માટે 45 હજાર જેટલા વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 15 સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષા કોઈપણ ભય કે તણાવ વગર આપી શકે તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી પરીક્ષામાં ધોરણ 10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે બોર્ડની પદ્ધતિ મુજબનું પ્રશ્નપત્ર ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને સ્કૂલોને પરીક્ષાના અગાઉના દિવસે જ મે-ઈલ દ્વારા મોકલી આપવામાં આવશે.