Today Gujarati News (Desk)
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે રશિયા તેમના દેશ વિરુદ્ધ યુદ્ધ હારી જશે અને તેમણે મોસ્કોના સૈન્ય આક્રમણના પહેલા દિવસથી જ યુદ્ધગ્રસ્ત દેશને સમર્થન આપવા બદલ બ્રિટિશ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઝેલેન્સ્કીએ સંસદમાં તેમના સંબોધનમાં કહ્યું કે હું અમારા બહાદુર સૈનિકો તરફથી તમારી સમક્ષ ઊભો છું જે હાલ તોપમારાનો સામનો કરી રહ્યા છે. તેમણે દેશ વિશે કહ્યું કે યુક્રેન નક્કીરૂપે બદી પર જીત મેળવશે. આ તમારી અને અમારી પરંપરાઓના મૂળમાં છે.
ઓલિવ કલરના પોતાના ટ્રેડમાર્ક ટી-શર્ટમાં આવેલા ઝેલેન્સ્કીએ તેમના ઐતિહાસિક સંબોધનમાં કહ્યું કે રશિયા હારી જશે. આ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી તેમની બ્રિટનની પહેલી યાત્રા હતી. તેમણે વેસ્ટમિંસ્ટર હોલમાં આપેલા સંબોધનમાં કહ્યું કે અમે જાણીએ છીએ કે આઝાદી જ જીતશે. અમે જાણીએ છીએ કે રશિયા હારી જશે અને જીત દુનિયાને બદલી નાખશે. આ યાત્રા એવા સમયે યોજાઈ રહી છે જ્યારે સુનકે યુક્રેનના ફાઈટર જેટના પાઇલટો અને નેવીના સૈનિકોને તેમની ડિફેન્સ ક્ષમતાઓમાં મદદ કરવા માટે બ્રિટન તરફથી જારી સહયોગને પ્રોત્સાહન આપ્યું છે.