Today Gujarati News (Desk)
અમેરિકા તથા લેટિન અમેરિકા પર દેખાયેલા ચીનના જાસૂસી બલૂન બાદથી ચીન અને અમેરિકા વચ્ચે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યું હતું. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી. થોડા દિવસ પહેલા જ અમેરિકાએ મિસાઈલ દ્વારા બલૂનને તોડી પાડ્યો હતો. જોકે આ પહેલા પણ આકાશમાં બલૂન દેખાવાના અહેવાલ સામે આવી ચૂક્યા હતા.
ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ દાવો કરાયો
ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જણાવાયું હતું કે બલૂન દ્વારા જાસૂસી કરવાના પ્રયાસો હેઠળ જાપાન, ભારત, વિયેતનામ, તાઈવાન અને ફિલિપાઈન્સ સહિત અનેક દેશો અને ચીન માટે ઉભરતા વ્યૂહાત્મક હિતોવાળા ક્ષેત્રોમાં સૈન્ય સંપત્તિઓ સંબંધિત જાણકારી એકઠી કરાઈ હતી. આ અહેવાલ અનેક અજાણ્યા ડિફેન્સ તથા ગુપ્તચર અધિકારીઓના હવાલાથી ધ વોશિંગ્ટન પોસ્ટે પ્રકાશિત કર્યા હતા. અહેવાલ અનુસાર અધિકારીઓએ કહ્યું કે ચીનની પીપલ્સ લીબરેશન આર્મીની એરફોર્સ દ્વારા સંચાલિત આ આ જાસૂસી બલૂનને ૫ મહાટાપુઓ પર જોવામાં આવ્યો હતો.
એક ડિફેન્સ અધિકારીએ શું જણાવ્યું જાણો
એક વરિષ્ઠ ડિફેન્સ અધિકારીએ તો એવો પણ દાવો કર્યો હતો કે આ બલૂન પીઆરસી(ચીની લોકવાદી ગણરાજ્ય )ના બલૂનની ફ્લિટનો એક હિસ્સો છે. જેને નિરીક્ષણ કે જાસૂસી અભિયાન ચલાવવા માટે બનાવાયો છે. તેના દ્વારા અન્ય દેશોની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરાયું છે. તાજેતરના વર્ષોમાં હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં પણ ઓછામાં ઓછા ૪ બલૂન જોવા મળ્યા હતા.