Today Gujarati News (Desk)
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરમપુર વ અને કપરાડામાં લગ્ન પ્રસંગમાં એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં આદિવાસી સમાજના લોકો તેમની જાતિ અનુસાર તેમની બોલીમાં કંકોત્રી છપાવે છે. વારલી, કુકણા કે ઢોડિયા પટેલ જાતિ તેમની જાતિની બોલીમાં કંકોત્રીઓ છપાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર અને કપરાડા તાલુકામાં રહેતા લોકોમાં જ્ઞાતિ અનુસાર અલગ-અલગ બોલી અને વાકછટા છે, તેમના શબ્દો, તળપદી ભાષા અને તેનો ઢાળ અન્ય ગુજરાતી ભાષા કરતા અલગ જ છે. જેથી જ તેમની પોતાની બોલીના શબ્દો એક પોતાપણું ઉપજાવી કાઢે છે. હાલમાં તેમની આ બોલીનો વારસો સચવાઈ રહે તેવા હેતુથી સ્થાનિક કક્ષાએ લગ્ન પ્રસંગે એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે અને એ ટ્રેન્ડ છે પોતાની ભાષામાં કંકોત્રીઓ છપાવવાનો છે. સામાન્ય રીતે કોઈપણ લગ્ન પ્રસંગમાં શુદ્ધ ગુજરાતીમાં અને સુવાક્ય અક્ષરોવાળી લગ્ન કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલતો આવ્યો છે.સામાન્ય રીતે કંકોત્રીઓ ગુજરાતી ભાષામાં છપાતી હોય છે પરંતુ ધરમપુર વિસ્તારમાં તમારા હાથમાં આવતી કંકોત્રીઓમાં પ્રથમ પાને પ્રકૃતિ પૂજક દેવી- દેવતાઓ અને કંસારી માતા તેમજ આદિવાસી સમાજના પ્રસંગો અનુરૂપ બનાવવામાં આવતા વારલી પેઇન્ટિંગના ચિત્રો દોરેલા જોવા મળી રહ્યા છે.
ધરમપુર વિસ્તારમાં કંકોત્રી છાપવાનું કામ કરતા અશોકભાઈના કહે છે છેલ્લા ત્રણ વર્ષથી ધીમે-ધીમે આ ટ્રેન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, બહુધા આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ઊંડાણના ગામોમાં ધીમે-ધીમે હવે દરેક લગ્ન પ્રસંગોમાં લોકો આ જ પ્રકારની કંકોત્રીઓ છપાવવાનો આગ્રહ રાખી રહ્યા છે, લોકો તે માટે અવનવી ડિઝાઇન, વાક્યો અને શબ્દો લઈને આવી રહ્યા છે.