Today Gujarati News (Desk)
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વાહનોની સ્ક્રેપિંગ પોલીસી અંતર્ગત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં કુલ 204 ફિટનેસ સેન્ટરો શરૂ કરાશે. જેમાં ત્રણ સેન્ટરો હાલમાં ચાલુ છે. બાકીના 201 સેન્ટરો આગામી એપ્રિલ માસમાં શરૂ કરી દેવાશે.
ફિટનેસ ટેસ્ટના સર્ટી પણ આપવામાં આવશે
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વર્ષ 2021માં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી હતી. વાહનોના ફિટનેસ ટેસ્ટના સર્ટી પણ આપવામાં આવશે. સરળતાથી ફિટનેસ ટેસ્ટના સર્ટી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં ‘સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ પોલિસી’ લાવવાની જાહેરાત કરી હતી.
સરકારી વિભાગ 15 વર્ષથી જૂના વાહનનો ઉપયોગ નહીં કરે
સરકારની યોજના પ્રમાણે હવે કોઈપણ સરકારી વિભાગ 15 વર્ષથી જૂના વાહનનો ઉપયોગ નહીં કરે. બીજી તરફ સામાન્ય લોકો તેમના 20 વર્ષથી વધુ જૂના વ્યક્તિગત અને વ્યવસાયિક વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ સાથે વાહનના ઉપયોગના 15 વર્ષ પછી ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. તેના પરથી જાણી શકાશે કે વાહનની સ્થિતિ કેવી છે. આ સાથે જો આ ટેસ્ટમાં વાહન ફેલ થાય તો વાહન માલિકને ભારે દંડ ફટકારવાની પણ જોગવાઈ છે.