Today Gujarati News (Desk)
ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી જેમાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ વિના પાકને પકવવામાં આવે છે. ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી વધારવા માટે સરકાર ધમપછાડા કરી રહી છે પણ ખેડૂતોને આ ખેતીમાં રસ ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યના રાજ્યપાલ આ મામલે અંગત રસ દાખવી રહ્યાં છે. અને રાજ્યમાં ઓર્ગેનિક ખેતી વધે એ માટે કાર્યક્રમો કરી રહ્યાં છે કે હાજરી આપી રહ્યાં છે પણ આ અહેવાલ સાબિત કરે છે કે ભલે ગુજરાતના રાજ્યપાલને રસ હોય પણ ગુજરાતના ખેડૂતોને આ ખેતીમાં રસ નથી. સજીવ ખેતીમાં ઓછા ઉત્પાદનને પગલે ખેડૂતોને આ ખેતી કરવી યોગ્ય લાગતી નથી. જેને પગલે જૈવિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યની સરખામણીમાં પાછળ રહ્યું છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી ગંભીર બિમારીને નોંતરું આપી રહી છે. જેને પગલે આજની તાતિ જરૂરિયાત એ ઓર્ગેનિક ખેતી છે. તમને એમ લાગે કે અમે તો કેન્સર થાય એવું કંઇ પણ ખાતા નથી પણ તમે જે શાકભાજી અને ફળ ફલાદી આરોગો છો તેમાં સૌથી વધારે ઝેર હોય છે. ખેડૂતો આ પકવવા માટે જંતુનાશકો અને ખાતરોનો ભરપૂર ઉપયોગ કરે છે. જૈવિક ખેતી તરફ ખેડૂતોને વાળવા સરકાર દ્વારા અથાગ પ્રયાસો થઇ રહ્યા છે. જોકે, ગુજરાતના ખેડૂતોને હજુ જૈવિક ખેતીમાં રસ જ નથી. અઢળક પાકનું ઉત્પાદન થાય તે હેતુસર ખેડૂતો જૈવિક ખેતીથી હજુય દૂર રહ્યા છે.
એ વાત પણ એટલી જ સાચી છે કે જે ખેતીમાં આવક ન મળતી હોય એવી ખેતી કોઈ કામની નથી. આ કારણોસર અન્ય રાજ્ય કરતાં ગુજરાત જૈવિક ખેતીમાં ઘણું પાછળ રહ્યું છે. વાસ્તવિકતા એછેકે, બજેટમાં અલાયદી જોગવાઇ કરી હોવા છતાંય ખેડૂતો જૈવિક ખેતી તરફ આકર્ષાયા નથી. આમ છતાંય રાજ્ય સરકારનો દાવો છે કે, ગુજરાત જૈવિક ખેતી ક્ષેત્રમાં ઘણુ કાઠું કાઢી રહી છે. સરકાર કહે છે, ગુજરાતમાં ૩ લાખ ખેડૂતો જૈવિક ખેતી કરે છે. જ્યારે કેન્દ્રએ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં ૩૩૮૫ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. આ બંનેમાંથી સાચું કોણ? જોકે, ગુજરાત સરકારના આંકડાઓ સાચા છે, કારણ કે રાજ્યમાં 55 લાખ ખેડૂતો વચ્ચે 3 લાખથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો જૈવિક ખેતી કરે તે માટે કૃષિ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે. પણ રિઝલ્ટ મળી રહ્યું નથી. પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં જૈવિક ખેતીને લઇને જ એક ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ઘણી સૂચનાઓ પસાર થઈ હતી. ખુદ રાજ્યપાલ ઓર્ગેનિક ખેતી મામલે રસ દાખવતા હોવાથી કૃષિ વિભાગ પણ અલગથી બજેટની જોગવાઈ કરે છે.