Today Gujarati News (Desk)
થોડા દિવસો પહેલાં જ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. જોકે માત્ર 9 દિવસમાં જ પ્રચંડની નવી સરકારમાં રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. PM પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાંથી ગઠબંધમાં સામેલ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)એ બહાર નિકળવાનો નિર્ણય કર્યો છે. રવિવારે યોજાયેલી પક્ષની બેઠકમાં રબી લામિછાનના નેતૃત્વવાળી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સરકારમાંથી સમર્થન પાછું ખેચવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી 19 સાંસદો સાથે ગઠબંધનમાં જોડાનાર ચોથી સૌથી મોટી પાર્ટી છે. RSPએ રવિવારે એક બેઠક યોજી હતી, જેમાં સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાનો મોટો નિર્ણય લેવાયો છે.
ગૃહ મંત્રાલય ફરી પક્ષને સોંપવા RSPની માંગ
અહેવાલો મુજબ RSPની માંગ છે કે, ગઠબંધન વખતે નક્કી થયા મુજબ વડાપ્રધાને ગૃહ મંત્રાલય ફરી પક્ષને સોંપી દેવું જોઈએ. જોકે પીએમ પ્રચંડે ઈન્કાર કરતા કહ્યું કે, જ્યાં સુધી રબી લામિછાના કેસમાં સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય સુધી ન પહોંચે ત્યાં સુધી રાહ જોવા માંગે છે. જોકે ગૃહ મંત્રાલયની મડાગાંઠને લઈને RSPના તમામ નેતા સરકાર છોડવાના પક્ષમાં નથી.
સુપ્રીમ કોર્ટે RSP પ્રમુખનું રદ કર્યું હતું PM અને ગૃહમંત્રી પદ
ગત મહિને નેપાળની સુપ્રીમ કોર્ટે લામિછાને ડેપ્યુટી વડાપ્રધાન અને ગૃહમંત્રી પદ પરથી હટાવી દીધા હતા. ઉપરાંત રબી લામિછાનું સાંસદ પદ પણ રદ કરાયું હતું. રાષ્ટ્રીય વર્ષ 2022માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ સ્વતંત્ર પાર્ટીના પ્રમુખ રબી લામિછાન નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે તેમના પદ રદ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નેપાળના નાગરિક તરીકે રબી લામિછાને કરેલા તમામ કામ ગેરકાયદે ગણાશે. પીટિશમાં કહેવાયું હતું કે, લામિછાનેએ અમેરિકી નાગરિકતા છોડ્યા બાદ નેપાળની નાગરિકતા મેળવી નથી. દરમિયાન બંધારણીય બેંચના આ નિર્ણય બાદ લામિછાનનું મંત્રી અને સાંસદ પદ રદ થઈ ગયું છે. આવી જ રીતે લામિછાન રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખ બનવા માટે પણ અયોગ્ય છે.