Today Gujarati News (Desk)
વધતી જતી ટેકનોલોજી સાથે તેનો ઉપયોગ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાથી લઈને ગ્રૂમિંગ માટે ઓનલાઈન સર્વિસ બૂક કરવા એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સવારની ટૂથપેસ્ટથી લઇને કપડા, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કે પછી ઘર માટે ફર્નીચર સુધીની ઓનલાઈન ખરીદી વધી રહી છે. એવામાં ઓનલાઈન ફ્રૉડ અને છેતરપિંડી પણ સતત વધી રહી છે. જો કે ઓનલાઈન ફ્રોડને પકડવા માટે સાઈબર ક્રાઇમ સેલ છે પરંતુ ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ઓનલાઈન ફ્રોડ કરનાર અપરાધીઓ પણ રોજે રોજ ચાલાક થઇ રહ્યા છે. જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય છે તેમ તેમ સ્કેમર્સ પણ પોતાને અપગ્રેડ કરી રહ્યા છે. ઓનલાઈન યુઝર્સના બદલાતી મોડલ ઓપરેન્ડી સાથે ઠગ અથવા ફ્રોડ કરવાની રીત પણ બદલાતી રહે છે. આનાથી બચવાનો એક જ ઉપાય છે કે, યુઝર્સને સાવધાન રહેવું પડશે. જો યુજર્સ ઓનલાઈન ફ્રોડથી સાવધાન રહેશે તો જ તે ફ્રોડથી બચી શકે છે.
ફેક લિંક પર ક્લિક કરનારાઓ સાવધાન
ઓનલાઈન ફ્રોડમાં સૌથી વધારે ચર્ચા ફિશિંગ ટેકનીકની થાય છે, જેમાં સ્કેમર્સ યુઝર્સને મોટી લાલચ આપી ફસાવવાનો પ્રયાસ કરે છે. સ્કેમર્સ કોઈ ઓરીજીનલ વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી તમને ફેક લિંક મોકલે છે, જેમાં ભારે ડિસ્કાઉન્ટની લાલચ હોય છે. જો તમે લાલચમાં આવી આ સ્પેમ લિંક પર તુરંત ક્લિક કરશો, તો તુરંત તમારી તમામ માહિતી સ્કેમર્સ પાસે પહોંચી જાય છે અને સ્કેમર્સ આ માહિતીનો દુરુપયોગ કરી તમારી સાથે છેતરપિંડી કરે છે. તો જાણીએ કઈ રીતે ઓનલાઈન ફ્રોડ થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ…
સ્પેમ લિંક
જો તમે વ્હોટસએપનો ઉપયોગ કરો છો તો તમને ખ્યાલ હશે કે ઘણી વાર અજાણ્યા નંબર પરથી મેસેજ આવતા હોય છે… ઉદાહરણ તરીકે ‘1 રૂપિયામાં બૂક કરો આઈફોન 14, ફક્ત 10 રૂપિયામાં ખરીદો સ્માર્ટફોન’… સ્કેમર્સ આવી ઓફર આપીને તમને લલચાવે છે અને જો તમે તેની લાલચ આવશો તો જરૂરથી છેતરાશો, તેથી સ્કેમર્સ દ્વારા મોકલાયેલ સ્પેમ લિંક પર બિલકુલ ધ્યાન ન આપો.
ફેક વેબસાઈટ
ફિશિંગ ટેકનીકમાં ઘણીવાર સ્કેમર્સ ફેક વેબસાઈટ બનાવે છે, જે ઓરીજીનલ વેબસાઈટની નકલ હોય છે. આવી ફેક વેબસાઈટોનું યુઝર્સ ખાતરી કર્યા વગર ઓપન કરતા હોય છે, એટલું જ નહીં યુઝર્સો સમજ્યા અને જાણ્યા વગર તેમાં પોતાની માહિતી પણ શેર કરતા હોય છે, તેથી ફ્રોડથી બચવા આવી વેબસાઈટોને ઓળખવી પણ ખુબ જરૂરી છે.
ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે બચી શકાઈ
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સાવધાન અને સમજદારી દાખવવાની જરૂર છે.
જો તમને ‘સસ્તી કિંમતે ખરીદી કરો’, ‘ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી કરો’ વગેરે જેવા મેસેજ આવે કે પછી મેસેજમાં લાલચ આપવાની વાત સાથે કોઈ લિંક હોય તો તેના પર ક્લિક કરવાથી બચવું જોઈએ.
વ્હોટસએપ પર આવો કોઈપણ લાલચભર્યો મેસેજ આવે કે પછી તમારું ઓળખીતું તમને આવો મેસેજ મોકલે તો તે લીંકથી પણ બચીને રહેવું જોઈએ.
તમારા સ્માર્ટફોન પર કોઈપણ અજાણી લિંક આવે તો પહેલા તેની ખાતરી કરો અને પછી જ ફોરવર્ડ કરવાનું રાખો, નહીં તો તમે અને તમે જેણે લિંક મોકલી છે તે પણ છેતરપિંડીનો ભોગ બની શકે છે.
ઘણીવાર સ્કેમર્સ સ્પેલિંગ મિસ્ટીકવાળી એટલે કે કોઈ કંપની, સંસ્થાના નામથી (જેમાં સ્પેલિંગ મિસ્ટીક હોય છે) તમને લીંક મોકલે છે અને યુઝર્સ પણ આવા નામોમાં ભરમાઈ જઈ લીંક પર ક્લિક કરી દે છે, જેના કારણે યુઝર્સની તમામ વિગતો સ્કેમર્સ પાસે પહોંચી જાય છે, તેથી આવી લીંક પર પણ જોયા-જાણ્યા વગર તુરંત ક્લિક મારવી નહીં.
યુઝર્સે Shorten URLથી જરૂર સાવધાન રહેવું જોઈએ, કારણ કે આવા URLમાં કોઈપણ પ્રકારની વસ્તુ, સંસ્થા કે કંપનીનું નામ હોતું નથી, તેથી આવી લિંકથી ચેતવીને રહેવું જોઈએ.