Today Gujarati News (Desk)
ચીન અને યુએસ વચ્ચે 6G ટેકનોલોજીની રેસમાં આગળ વધી રહ્યા છે, એવામાં ક્વાડ જૂથ તેને લઇ ટેલિકોમ સુરક્ષા બાબતે ચિંતા વ્યકત કરી છે. ક્વાડ જૂથે એવો દાવો કર્યો છે કે, ટેલિકોમ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને તેના પર કામ કરવું ખુબ જરૂરી બને છે. તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્વાડ ગ્રૂપ પ્રાથમિક રીતે શ્રેષ્ઠ પ્રથાઓ અને સુરક્ષા-બાય-ડિઝાઇન પર કામ કરશે. તેમાં આગામી ટેલિફોની ટેકનોલોજી 6G સેવાનો પણ સમાવેશ થાય છે.
30 અને 31 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ક્વાડ સિનિયર સાયબર ગ્રૂપની બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં, જૂથે કહ્યું હતું કે, આ સોફ્ટવેર સેવાઓ અને ઉત્પાદનો માટે શ્રેષ્ઠ સુરક્ષા પદ્ધતિઓ અને લઘુત્તમ નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાયબર સુરક્ષા જરૂરિયાતોને ઓળખવા માટે કામ કરી રહ્યું છે.
6G ટેક્નોલોજીમાં આગળ નીકળવાની રેસ
લંડન સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝએ ઓગસ્ટમાં જાહેર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચીન લશ્કરી હેતુઓ માટે 6G ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે સેન્ટ્રલાઈઝ કમાન્ડ મોડલ દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયાને અનુસરી રહ્યા છે. બીજી તરફ, યુએસ નીચલા સ્તરે કમાન્ડ અને ઓપરેશન પ્રક્રિયાઓને સક્ષમ કરવાની વ્યૂહરચના બનાવી રહ્યું છે.