Today Gujarati News (Desk)
કચ્છમાં ઉદ્યોગોની સંખ્યામાં સતત વધારો વચ્ચે કચ્છ કેન્દ્ર સરકારની કમાણીમાં પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદ્યોગો અને ધંધાર્થીઓ પાસેથી ટેકસ રૂપે વસૂલાતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ GST થકી કેન્દ્ર સરકારની હર મહિને મસમોટી આવક ઊભી થાય છે અને આ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સેન્ટ્રલ જીએસટીના કચ્છ કમિશનરેટ દ્વારા ગત જાન્યુઆરી મહિનાનું ટેકસ કલેક્શન અત્યારસુધીનો બીજું સૌથી મોટું ટેકસ કલેક્શન નીવડ્યું છે.
ભારતમાં જીએસટીની શરૂઆત બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં જ જીએસટી દ્વારા કચ્છમાંથી રૂ. 238.78 કરોડની આવક ઊભી કરવામાં આવી છે, જે અત્યારસુધીની બીજી સૌથી વધારે માસિક આવક છે. તો સમગ્ર દેશનો જાન્યુઆરી મહિનાનો જીએસટી કલેક્શન પણ રૂ. 1.55 લાખ કરોડ પહોંચ્યું હતું જે પોતાના બીજો સૌથી મોટો કલેક્શન છે.
છેલ્લા ચાર મહિનામાં કચ્છ જીએસટી કમિશનરેટ ત્રણ વખત ઓલ ઇન્ડિયા એવરેજ ગ્રોથ રેટથી આલગ વધ્યો છે. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રીય એવરેજ ગ્રોથ રેટ 10.59 ટકા રહ્યું હતું ત્યારે કચ્છનું એવરેજ ગ્રોથ રેટ 28.35 ટકા રહ્યું હતું. તો જાન્યુઆરી મહિનામાં જ કચ્છમાં અત્યારસુધીમાં સૌથી વધારે 4959 ધંધાર્થીઓએ પોતાનું રિટર્ન ફાઈલ કર્યું હતું. જાન્યુઆરી મહિનાનો રૂ. 238.78 કરોડનું કલેક્શન જાન્યુઆરી 2022 કરતા 28.359 ટકા વધારે હતું જે રૂ. 186.03 કરોડ રહ્યું હતું.
હાલના આર્થિક વર્ષમાં ચાલુ મહિના સુધી કચ્છ સેન્ટ્રલ જીએસટીની કમાણી રૂ. 2076.86 કરોડ પહોંચી છે જેમાં ગત વર્ષના કુલ રૂ. 1900.57 કરોડના કલેક્શન સામે 9.28 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કચ્છ સેન્ટ્રલ જીએસટી કમિશનરેટની રચના થઈ ત્યારથી અત્યાર સુધી 98 વખત માસિક ટેકસ કલેક્શન રૂ. 200 કરોડને આંબી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ કલેક્શન સાત વખત 200 કરોડને પાર પહોંચ્યું છે.