Today Gujarati News (Desk)
ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ત્રણ વાગ્યે આસારામને સજા સંભળાવશે, બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. આસારામ સામે દુષ્કર્મ મામલે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગઈકાલે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરાયા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં.
કોર્ટ આજે સજા સંભળાવશે. જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.ફરિયાદી તરફથી વકીલ રજુઆત કરી કે 376 સજાની પુરી જોગવાઈ થતા 377 માં પણ પૂરે પુરી સજા કરવામાં આવે. આ ઉપરાંત 506ની 2 કલમ હેઠળ પૂરે પુરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેસની સુનવણીમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી પ્રક્રિયા આગળ વધારી હતી. ભોગ બનનારને વળતર ચૂકવા માટે ફરિયાદ પક્ષના વકીલે માંગ પણ કરી છે.
શું હતો આ કેસનો સમગ્ર મામલો ?
વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.