Today Gujarati News (Desk)
અમદાવાદ: રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ માવઠાને લીધે પાકને મોટું નુકસાન પહોંચવાની પણ ભીતિ સેવાઇ રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
પાટણ જિલ્લામાં મોડી રાતથી માવઠાની શરૂઆત થઈ હતી. જિલ્લાના 7 તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં સૌથી વધુ 28એમએમ, સાંતલપુરમાં 8, શંખેશ્વરમાં 7એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાટણ અને સરસ્વતી તાલુકામાં 4 એમએમ, ચાણસ્મામાં 2 અને હારીજમાં 1 એમએમ વરસાદ નોંધાયો હતો.
રાજકોટના ગોંડલમાં મધરાતે કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના બસ સ્ટેન્ડ રોડ, ભગવતપરા, ભોજરાજપરા સહિત વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે અમુક વિસ્તારમાં વીજળી ગુલ થઇ હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોના ઉભા પાક જેવા કે ઘઉં, ચણા, જીરું, શાકભાજી સહિતના રવિ પાકને નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે.
બનાસકાંઠાના કાંકરેજના થરામાં માવઠું થયું છે. મોડીરાતથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. થરા સહિત ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે. માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાયડા, ઘઉં, વરિયાળી, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કમોસમી વરસાદ પડ્યો છે. ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોની ચિંતા વધી છે. રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ચુડા બાદ થાનમાં પણ વરસાદ પડ્યો છે. થાન શહેરી વિસ્તારમાં અંદાજે અડધો કલાક સુધી વરસાદ પડ્યો હતો. શિયાળુ પાકની સાથે સિરામિક ઉધોગમાં પણ નુકસાન થવાની ભીતિ છે. થાન શહેર તેમજ નવાગામ, અમરાપર, જામવાડી,ગુગલીયાણા અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાંકરેજ, સિહોરી, ભીલડી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રાત્રિના સમયે માવઠાની શરૂઆત થઇ હતી. ગાજવીજ સાથે માવઠાની શરૂઆત થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છમાં વાતવરણમાં પલટો આવ્યો છે. રાપરના ભીમાસરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમન થયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે.