Today Gujarati News (Desk)
ગુજરાતમાં કાતિલ ઠંડીએ લોકોને થથરાવી નાંખ્યાં છે. જનજીવન પણ ખૂબજ પ્રભાવિત થયું છે. ઠંડીના કારણે અરવલ્લી જિલ્લામાં વધુ એક ખેડૂતનું મોત થયાની ઘટના સામે આવી છે. માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત નીપજ્યું છે. ગત રાત્રે પતી-પત્ની ખેતરમાં પાણી વાળવા ગયા હતાં. ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું. હવે ખેડૂતો દિવસે વીજળી આપવા માંગ કરી રહ્યાં છે.
બે દિવસમાં બે ખેડૂતોના ઠંડીને કારણે મોત
મોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાત્રિના સમયે આ ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કાતિલ ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું. રાત્રિના સમયે ખેતી વિષયક લાઈટ આવતાં મજબૂરી વશ ખેડુતો કડકડતિ ઠંડી વેઠવા મજબૂર બન્યાં છે. આજે અરવલ્લીમાં 62 વર્ષીય પગી લક્ષ્મણજી જીવાજી નામના ખેડૂતનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ખેડૂતનું મોત થતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડુતોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે.
સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે. રાજકોટમાં એક દીકરીનું ઠંડીને કારણે દુઃખદ નિધન, વલસાડમાં એક કોલેજ વિદ્યાર્થીનું નિધન. સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ પક્ષ સહીત વાલીઓની રજુઆતને ધ્યાને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને પ્રાથમિક શાળામાં 1કલાકનો સમય ફેરફાર કરવામાં આવ્યો. જે આવકારદાયક છે.કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા સરકાર પાસે માંગ છે.
કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના કેટલાક સ્થળોએ આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાની આગાહી વચ્ચે આજે ભાવનગરમાં ઘણા વિસ્તારમાં માવઠું થયું છે. સોરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આજે ભાવનગરમાં સવારે કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતું. આ માવઠાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત સોમવારથી ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના વધુ એક રાઉન્ડની પણ શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં આજે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામા આવી છે.