Today Gujarati News (Desk)
દેશમાં ટોચના નેતાઓની સુરક્ષા પાછળ વિવિધ એજન્સીઓ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે આમ છતાં તેમની સુરક્ષામાં ચૂકના કિસ્સા બનતા રહે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની છે. આ મામલો બન્યા બાદ ખળભળાટ મચી ગયો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પંજાબ અને કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પણ ચૂકના કિસ્સા બન્યા હતા.
વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, આમ છતાં તેમના કાર્યક્રમના સ્ટેજ પાસે અચાનક ડ્રોન ઉડતું દેખાતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ મામલે તાત્કાલિક જરુરી કાર્યવાહી કરી છે.
પકડાયેલા યુવક સામે કાર્યવાહી કરાઈ
શહેરના કમાટીબાગમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન ડ્રોન સાથે એક શખ્સ સ્ટેજ પાસે પહોંચી જતા તેની અટકાયત કરવામાં આવી છે. એવી પણ વિગતો મળી રહી છે કે આ શખ્સે પોલીસની મંજૂરી વગર ડ્રોન ઉડાવ્યું હતું. શખ્સની અટકાયત સાથે તેની પાસે રહેલું ડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. હવે આ શખ્સ કોણ હતો અને કોના કહેવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્ટેજ પાસે પહોંચીને ડ્રોન ઉડાવી રહ્યો હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતનું હવામાનઃ અંબાલાલ પટેલે કરી છે બર્ફીલી ઠંડી સાથે માવઠાની આગાહી
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં પણ થઈ હતી ચૂક
આ પહેલા 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પણ ચૂક થઈ હતી. આ સમયે તેઓ પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવા માટે જઈ રહ્યા હતા, જ્યાં ફ્લાયઓવર પર તેમનો કાફલો ફસાઈ ગયો હતો. આ પછી કર્ણાટકના હુબલીમાં પણ પીએમની સુરક્ષામાં ચૂક થઈ હતી. જેમાં એક છોકરો પીએમના સુરક્ષા ઘેરાને તોડીને માળા પહેરાવવા માટે તેમની એકદમ નજીક પહોંચી ગયો હતો. જોકે, આ શખ્સ પાસેથી વડાપ્રધાને માળા સ્વીકારી હતી અને માળા પહેરાવવા માટે દોડેલા ધોરણ-6માં અભ્યાસ કરતા કૃણાલ ધોનગાડીએ જણાવ્યું હતું કે તે વડાપ્રધાન મોદીનો મોટો પ્રશંસક છે, તેઓ મારા માટે ભગવાન જેવા છે. પોલીસે તપાસ બાદ છોકરાને છોડી દીધો હતો.