Today Gujarati News (Desk)
હાલમાં પણ યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ તેની લેપર્ડ-2 ટેન્ક મદદરૂપે યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી રશિયા ભડક્યો હતો. આ અહેવાલ આવતા જ રશિયાએ 25 અને 26 જાન્યુઆરીના રોજ યુક્રેનના શહેરો પર એકસાથે 55 મિસાઈલો ઝિંકી દીધી હતી. આ હુમલામાં 11 લોકો મૃત્યુ પામ્યા.
5માંથી 47 મિસાઈલો તો નષ્ટ કર્યાનો યુક્રેનનો દાવો
બીજી બાજુ યુક્રેનની એરફોર્સે દાવો કર્યો હતો કે અમે ૫૫માંથી 47 મિસાઈલો તો નષ્ટ કરી દીધી હતી. જોકે યુક્રેન સ્ટેટ ઈમરજન્સી સર્વિસ દાવો કરે છે કે 20 મિસાઈલોએ રાજધાની કીવને નિશાન બનાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે ખેરસોન, હ્લેવાખા સહિત 11 વિસ્તારોને આ મિસાઈલો દ્વારા નિશાન બનાવાયા હતા. તેમાં 35 જેટલી ઈમારતોને નુકસાન થયું હતું. જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા.
કેનેડા પણ મદદ માટે આગળ આવ્યું
જ્યારે આજે કેનેડાએ જાહેરાત કરી હતી કે તે પણ યુક્રેનને 4 લેપર્ડ-4 ટેન્ક આપશે. આ મામલે સંરક્ષણમંત્રી અનિતા આનંદે માહિતી આપી હતી. યુક્રેનને આશા છે કે આ ટેન્ક રશિયા વિરુદ્ધની લડાઈમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. જોકે રશિયા દાવો કરે છે કે આ ટેન્ક પણ બાકીઓની જેમ નષ્ટ કરી નાખીશું.
અમેરિકાએ પણ અબરામ એમ1 ટેન્ક યુક્રેનને આપવાનો વાયદો કર્યો
અમેરિકાએ પણ અબરામ એમ1 ટેન્ક યુક્રેનને આપવાનો વાયદો કર્યો હતો. તેની સાથે આવનારા દિવસોમાં યુક્રેની સૈનિકોની ટ્રેનિંગ શરૂ થવાની છે. આ મામલે સંરક્ષણમંત્રી બોરિસ પિસ્તોરિયસે કહ્યું કે યુક્રેની સૈનિકો પગપાળા સેના માટે જર્મન નિર્મિત વાહન માર્ડર્સ પર ટ્રેનિંગ શરૂ કરશે અને લેપર્ડ 2 ટેન્ક પર ટ્રેનિંગ થોડા સમય પછી શરૂ કરાશે.