Today Gujarati News (Desk)
પાકિસ્તાન તરફથી વારંવાર સંબંધો સુધારવાની અપીલ કરાયા બાદ ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશમંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાનને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. એવા પણ અહેવાલ છે કે મે 2023માં ગોવામાં યોજાનાર આ સંમેલનમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ ટૂંક સમયમાં આમંત્રણ મોકલાઈ શકે છે.
બંને દેશો વચ્ચે સંબંધો અનેક વર્ષોથી ખરાબ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અપીલ બાદ ભારતે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીફ જસ્ટિસને આમંત્રણ મોકલ્યું હતું. આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે. અધ્યક્ષ દેશના આમંત્રણને એક રેગ્યુલર રુટીન મનાય છે પણ પાકિસ્તાનને આમંત્રણ આપવું એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે બંને દેશો વચ્ચે સંબંધો અનેક વર્ષોથી ખરાબ જ છે.
પાકિસ્તાન આ આમંત્રણને સ્વીકારશે કે નહીં?
તાજેતરમાં જ મોંઘવારી અને રોકડના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં પીએમ મોદી સાથે વાતચીત કરવા અપીલ કરી હતી. માહિતી અનુસાર એસસીઓ શિખર સંમેલનની બેઠકનું આમંત્રણ ભારતીય હાઈ કમિશન દ્વારા ઈસ્લામાબાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયને મોકલાયું હતું. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાન આ આમંત્રણને સ્વીકારશે કે નહીં?