Today Gujarati News (Desk)
સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને નિરીક્ષણ ક્ષમતા તથા યુદ્ધ ક્ષમતાને મજબૂત કરવા 130 આધુનિક ડ્રોન સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે જ આર્મી સૈન્ય સહાયક ઉપકરણોની સાથે 100 રોબોટિક મ્યૂલ પણ ખરીદશે. આ હથિયાર ભારતીય સૈન્યમાં સામેલ થતાં જ આપણા જવાનો તમને ‘Iron Man’ની જેમ સરહદે ઉડતા પણ જોવા મળશે. ચીન સાથેની ખેંચતાણ બાદથી આર્મી સરહદે ચોક્સાઈ વધારવા અનેક પ્રયાસો કરી રહી છે.
ફાસ્ટટ્રેક પ્રક્રિયા હેઠળ ખરીદાશે
અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટીથર્ડ ડ્રોનને બાય ઈન્ડિયન કેટેગરીમાં ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ ઈમરજન્સી પર્ચેઝ હેઠળ ખરીદાઈ રહ્યા છે. આ કેટેગરી હેઠળ 48 જેટપેક સૂટ ખરીદવા માટે ઈચ્છુક એકમો પાસેથી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ(આરએફપી) મગાવ્યા છે.
આ જેટ પેક સૂટના અનેક ફાયદા
આ જેટ પેક સૂટના અનેક ફાયદા છે. સરહદે તહેનાત સૈનિકો જેટપેક સૂટ પહેરીને મુશ્કેલ સ્થિતિમાં ઉડાન પણ ભરી શકશે. તેમાં 5 ગેસ ટર્બાઈન જેટ એન્જિન હોય છે જે આશરે 1000 હોર્સપાવરની ઊર્જા પેદા કરે છે. આ પ્રકારના સૂટને ફ્યૂઅલ, ડીઝલ કે કેરોસિનથી ચલાવી શકાય છે. આ જેટપેક સૂટ 50 કિ.મી. કલાકની ઝડપે ઊડી શકે છે.
ટીથર્ડ ડ્રોનની સિસ્ટમ શું છે?
ટીથર્ડ ડ્રોનની સિસ્ટમમાં એવા ડ્રોન સામેલ હોય છે જે જમીન પર સ્થિત ટીથર સ્ટેશન સાથે જોડાયેલા રહે છે અને નિરીક્ષણ મર્યાદાથી બહારના લક્ષ્ય ઉપર પણ લાંબા સમય સુધી નજર રાખી શકે છે. અધિકારીઓએ કહ્યું કે દરેક ડ્રોન સિસ્ટમમાં પેલોડની સાથે બે હવાઈ વાહન, એકલ વ્યક્તિ પોર્ટેબલ ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશન, એક ટીથર સ્ટેશન, એક રિમોટ વીડિયો ટર્મિનલ અને અન્ય વસ્તુઓ રહેશે. આવેદન જમા કરાવવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્ય ચીન સાથેની અથડામણ બાદથી લગભગ 3500 કિ.મી.ની એલએસી પર નિરીક્ષણ તંત્રને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.