Today Gujarati News (Desk)
ભારતે પૂર્વ લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ પોઈન્ટ પર પકડ જ ગુમાવી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના રિપોર્ટમાં આ ચિંતાજનક ખુલાસો થયો છે. એક અહેવાલ અનુસાર લદ્દાખના મુખ્ય શહેર લેહના પોલીસ સુપ્રીન્ટેડન્ટ પી.ડી. નિત્યાએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે હાલમાં કારાકોરમકારાકોરમ પાસથી ચુમુર સુધી 65 પીપી(પેટ્રોલિંગ પોઈન્ટ) છે જ્યાં ભારતીય સુરક્ષાદળ(આઈએસએફ)એ નિયમિત રીતે પેટ્રોલિંગ કરવાની જરૂર હતી.
ગત અઠવાડિયે પોલીસ અધિકારીઓના વાર્ષિક સંમેલનમાં આ રિપોર્ટ રજૂ કરાયો હતો
માહિતી અનુસાર 65 પીપીમાંથી 26 પીપી(એટલે કે પીપી નંબર 5-) પર આપણી હાજરીનો અંત આવી ગયો છે. 5-17, 24-32, 37 પર ભારતીય સુરક્ષાદળો દ્વારા કોઈ પેટ્રોલિંગ ન કરાતા આવી સ્થિતિ સર્જાઈ હતી. ગત અઠવાડિયે જ દિલ્હીમાં દેશના ટોચના પોલીસ અધિકારીઓના વાર્ષિક સંમેલનમાં આ રિપોર્ટ રજૂ કરાયો હતો જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભાગ લીધો હતો.
સરકાર તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરાઈ નથી
આ રિપોર્ટમાં જણાવાયું હતું કે પછી ચીન આપણને એ તથ્યને સ્વીકારવા મજબૂર કરશે કે આ ક્ષેત્રોમાં લાંબા સમયથી આઈએસએફ કે ભારતીય નાગરિકોની હાજરી નથી. ચીન આ ક્ષેત્રોમાં હજુ પણ હાજર છે. તેના લીધે આઈએસએફના નિયંત્રણ હેઠળના સરહદી વિસ્તારોમાં ફેરફાર થઈ જશે. જોકે સરકાર તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરાઈ નથી.