Today Gujarati News (Desk)
પાકિસ્તાન અત્યારે અર્થવ્યવસ્થાના મોરચે ખરાબ રીતે અટવાયું છે. પાડોશી દેશની સ્થિતિ એટલી ખરાબ છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં જ ભારત સાથે વાતચીતની ઓફર કરી હતી. જોકે ભારતે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
હવે પાકિસ્તાનીએ અહેવાલ આપ્યો છે કે, ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ઓમર અટ્ટા બાંડિયાલને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
જો પાકિસ્તાની મીડિયાનો આ અહેવાલ સાચો હોય તો, ભારત તરફથી આ આમંત્રણ એવા સમયે મોકલવામાં આવ્યું છે જ્યારે ગયા મહિને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે બિલાવલ ભુટ્ટો ઝરદારીને પોતાના જ દેશમાં ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
વાસ્તવમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી પર વિવાદિત નિવેદનો આપ્યા હતા.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એક શક્તિશાળી પ્રાદેશિક ફોરમ છે, જેના સભ્યોમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઈરાન તેમજ મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. એસસીઓની અધ્યક્ષતા હાલમાં ભારતની છે અને એસસીઓની બેઠકો આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાવાની છે. આમાં એસસીઓ સભ્ય દેશોના મુખ્ય ન્યાયાધીશો અને વિદેશ પ્રધાનોની બેઠકો શામેલ છે.