Today Gujarati News (Desk)
અમદાવાદમાં સ્વસ્છતાને લઈને ફરીવાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. પહેલા શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપમાં ચા પર પ્રતિબંધ કર્યા બાદ હવે તંત્ર દ્વારા ચા પાર્સલ કરવા માટે આવતી પ્લાસ્ટિકની પોટલીઓ પર પણ પ્રતિબંધ મુક્યો છે. AMC દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાની કીટલી પર 60 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. કારણ કે 60 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગનું ડીકમ્પોસ કરવું અધરું છે અને તેના વધુ પ્રદુષણ ફેલાય છે. આ બાબતને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.તે ઉપરાંત પાનના ગલ્લા પર ગુટખાની પડીકીઓ ફેંકવાથી કચરો વધુ થતો હોવાથી ચાની કિટલી અને પાનના ગલ્લાઓ સામે કાર્યવાહી કરવાનું તંત્રએ નક્કી કરી લીધું છે. શહેરમાં એક અંદાજ મુજબ 20 લાખથી વધુ પેપર કપ રોડ પર ફેંકાય છે. જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં સૌથી મોટી ખામી ઉભી થાય છે. ચોમાસામાં ડ્રેનેજમાં પાણીનો પ્રશ્ન પણ ઉભો થાય છે.
રોડ પર કચરો ફેંકતા એકમને સીલ કરી દંડ કરાય છે
તે ઉપરાંત પાનના ગલ્લા પરથી ગુટકાની પડીકીઓ સહિત મોટા પ્રમાણમાં કચરો નીકળે છે. જેના કારણે કેટલીક વખત ગટર લાઈનો ચોકઅપ થાય છે. હવે જો કોઈએ આવી પડીકીઓ પેપરના કપ રસ્તા પર નાંખ્યા હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. મ્યુનિ. હેલ્થ કમિટીમાં શહેરમાં ચાલી સ્વચ્છતા અભિયાન અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં ચાની કીટલીઓ પર વપરાતા પેપર કપ અને પાર્સલ માટેની પોટલીઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત રોડ પર કચરો ફેંકતા એકમને સીલ કરી દંડ કરાય છે.