Today Gujarati News (Desk)
આજકાલ બાળકોના અપહરણની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે, ત્યારે સુરતમાં એક આવી જ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટના બની છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મહિધરપુરા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલ રુવાલા ટેકરા પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. બાળકીનું પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે છે. દરરોજ બાળકીને રમાડવા આવતી જ મહિલાએ અપહરણ કર્યું હોય તેવો માતાનો આક્ષેપ છે. બાળકીના અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હાલ તો સીસીટીવીના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા અપહરણ કરનાર મહિલાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ
આવી જ રીતે, ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને 36 કલાક વિત્યા બાદ પણ બાળક મળ્યું નથી. બાળની શોધખોળ માટે LCB, SOG સહિત 6 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાઇ છે. મહત્વનું છે કે. હોસ્પિટલમાં લાગેલા CCTV 2 વર્ષથી બંધ છે.
કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે બનાવ બન્યો
ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. 1 માસના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થતાં પોલીસ દોડતી થઇ છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે બનાવ બન્યો હતો. બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું હોવાની વિગતો સામે આવી હતી. બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બાળકનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.