Today Gujarati News (Desk)
સુરત શહેરમાં સાયકલ ટ્રેકનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને તેના અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત મહાનગરપાલિકા, સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં પહેલીવાર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રવિવારે વહેલી સવારે કડકડતી ઠંડીમાં દસ હજારથી વધુ લોકો સાયકલ લઈને સાયક્લોથોન ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. ભારે ઉત્સાહભેર આવેલા સાયકલ સવારોએ મ્યઝુમકના સથવારે સાયકલની સવારી કરી હતી. આ સાયક્લોથોનમાં પાલિકા કમિશનરે પણ સાયકલ ચલાવી હતી.
રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને નવસારીના સાંસદ- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીલી ઝંડી આપ્યા બાદ સુરતની પહેલી સાયક્લોથોન થઈ હતી. આજે સવારે ૬.૩૦ કલાકે પોલિસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ ખાતે સાયક્લોથોનમાં ભાગ લેવા માટે હજારો સાયકલ સવાર આવી ગયા હતા.
આ સાયકલોથોનમાં ૫ કિમી અને ૨૧ કિમી એમ ૦૨(બે) રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫ કિમી ફન રાઈડમાં પાર્ટિસિપન્ટ પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી થઇ કારગીલ ચોક થઈ જિલ્લા સેવા સદન (ક્લાસિક રેસ્ટોરન્ટ) થી યુ-ટર્ન લઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવી હતી. જ્યારે ૨૧ કિમી રાઈડમાં પાર્ટિસિપન્ટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થઇ એરપોર્ટ થઈ જિલ્લા સેવા સદન (ક્લાસિક રેસ્ટોરન્ટ) થી યુ-ટર્ન લઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા.
સુરતની સાયક્લોથોનમાં સાયકલ એંથમ લોન્ચ કરવામાં આવ્યું હતું અને સાયકલ સવારો સંગીતના સથવારે સાયકલ ચલાવવા લાગ્યા હતા. આ ઉપરાંત શહેરના જે સાયકલ લિડર્સ હતા તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરે અને વાહનોનો ઉપયોગ ટાળે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
સુરત ખાતે પહેલી વાર યોજાયેલી આ સાયક્લોથોનમાં પાલિકા કમિશનરે પણ સાયકલ ચલાવી હતી. પાલિકાની ગણતરી સાત હજાર સાયકલ સવારો આવે તેવી હતી પરંતુ રેકર્ડ બ્રેક દસ હજારથી વધુ લોકો સાયકલ લઈને આવ્યા હતા.