Today Gujarati News (Desk)
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એવી અપેક્ષા હતી કે ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ આજે કોઈ નિર્ણય લઈ શકે છે. તેમણે આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કુસ્તી સંઘની એક કાર્યકારી બેઠક બોલાવી હતી. જો કે આજે અચાનક આ બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રમત મંત્રાલયના પ્રતિબંધને કારણે બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બેઠક 4 અઠવાડિયા સુધી નહીં થઈ શકે. આજે નક્કી થયેલી બેઠકમાં બ્રિજભૂષણ કારોબારી સભ્યો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના હતા. આ બેઠક રદ્દ થવા અંગેની માહિતી બ્રિજ ભુષણ સિંહે પોતાના સોશિયલ સાઈટ પરથી આપી હતી.
શું હતો મામલો?
જંતર-મંતર ખાતે પત્રકાર પરિષદમાં કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કુસ્તીબાજોએ અભદ્રતા, ગેરવર્તણૂક અને પ્રાદેશિકતાનો પણ આરોપ લગાવ્યો હતો.