Today Gujarati News (Desk)
21મી સદીના આજના યુગમાં જ્યારે આધુનિકરણ અને ટેક્નોલોજીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે લોકો હવે અંધશ્રદ્ધાથી બહાર આવવા લાગ્યા છે. આસારામ બાપુ, ડેરા સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમ, બાબા નિત્યાનંદ જેવા અનેક બાબાઓ ઉઘાડા પડી ગયા બાદ હવે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ચર્ચામાં છે.
ભવિષ્યની ઘટનાઓ વિશે કેમ જણાવતા નથી? તે અંગે એક ઈન્ટરવ્યૂમાં જાણો શું કહ્યું…
જ્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે તમે ઘણા લોકોને મદદ કરી હશે. તમે તેમને બચાવ્યા જ હશે, પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે શું તમે એવું કોઈ કામ કર્યું છે જેનાથી દેશને ફાયદો થયો હોય? એટલે કે, તમે પહેલેથી જ કહી દીધું હોય કે કોરોના મહામારી ત્રાટકવાની છે? કે પછી આતંકવાદી હુમલો થવાનો છે? જ્યારે તમે એક વ્યક્તિને સાજા કરવાની વાત કરો છો, ત્યારે શું તમે દેશ માટે પણ આવું જ કરી શકો છો? આ પ્રશ્નના જવાબમાં છટકબારી કરતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું ન તો ભવિષ્ય જણાવું છું કે ન તો જ્યોતિષ છું.
ચમત્કાર સાબિત કરવા કહ્યું તો કથા અધવચ્ચે પડતી મૂકી નાસી ગયા
આ ચર્ચા નાગપુરથી શરૂ થઈ હતી જ્યારે પં.ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. અંધશ્રદ્ધા નિવારણ સમિતિએ કહ્યું કે જ્યારે બાગેશ્વર ધામ સરકારને ચમત્કાર સાબિત કરવા માટે પડકાર ફેંકવામાં આવ્યો તો તેઓ અધવચ્ચે જ કથાને પડતી મૂકી નાસી ગયા.
પડકાર ફેંકનાર વ્યક્તિને રાયપુર બોલાવી
આ મામલે વિવાદ થતાં પં.ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ નિવેદન આપ્યું. તેમણે પડકાર ફેંકનાર વ્યક્તિને રાયપુર બોલાવી. અહીં તેમની રામકથા ચાલી રહી હતી. શુક્રવારે પં.ધીરેન્દ્ર શાસ્ત્રીએ અનેક મીડિયા કર્મચારીઓ સામે ચમત્કાર કરવાનો દાવો પણ કર્યો. એક ચેનલના રિપોર્ટરના કાકાને નામ લઈને મંચ પર બોલાવ્યા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. પં.ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયી તેને ચમત્કાર માનવા લાગ્યા છે.
બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી તેમની કથા દરમિયાન લોકોની સમસ્યા સાંભળી તેનું સમાધાન કરવાનો દાવો કરે છે. તેમની કથામાં ભૂત-પ્રેતથી માંડીને બીમારીઓની સારવાર પણ કથામાં જ કરવાનો દાવો કરાય છે. બાબાના ભક્તોનું માનવું છે કે બાગેશ્વર ધામ સરકાર વ્યક્તિને જોઈને જ તેની દરેક પ્રકારની તકલીફો જાણી જાય છે અને તેનું સમાધાન પણ જણાવી દે છે.