Today Gujarati News (Desk)
બનાસકાંઠામા પહેલી વાર મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા ચલાવવામા આવી રેહલી વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે મહિલા વ્યાજખોરો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસકાંઠાના ભરત વણઝારાએ ખેડબ્રહ્મામાં રહેતી વર્ષા નામની મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અંબાજી ખાતે રહેતા ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી. મળતી માહિતી અનુસાર મહિલા વ્યાજખોરે ભરત વણઝારાને માસિક પાંચ ટકાના ઊંચા વ્યાજ દરે નાણા ધીર્યા હતા. જેમાં 2 લાખની સામે 1.77 લાખ વસૂલ કર્યા હતાં. છતા પણ તે પીડિત પાસે ચેક રિટર્ન કરવાની ધમકી આપતી હતી.
આ અંગે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે મહિલા વ્યાજખોર વારંવાર તેમના ઘરે આવતી હતી અને તેમને ડરાવતી ધમકાવતી હતી. જેની ધમકીઓથી પરેશાન થઈને અંબાજીના પીડીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંબાજી પોલીસ દ્વારા મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો પરંતુ હજી ધરપકડ કરવામાં આવી નથી.
રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87 લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.