Today Gujarati News (Desk)
ઝારખંડના ગોડ્ડા જિલ્લાના મહાગામા અનુમંડળ હેઠળ આવતા લલમટિયા ક્ષેત્રના તાલઝારી ગામમાં ગુરુવારે પોલીસ તંત્ર અને ગ્રામીણો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેના પછી પોલીસે ગ્રામીણો પર લાઠીચાર્જ કરી દીધો હતો. જ્યારે ભીડને વેર-વિખેર કરવા માટે હવાઈ ફાયરિંગ પણ કરાયું હતું.
પોલીસે કડક વલણ અપનાવ્યું
તાલઝારી મોજામાં કોલસા ખનન માટે સંપાદિત જમીનના સીમાંકનનો ગ્રામીણો વિરોધ કરી રહ્યા હતા. જેના પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. બુધવારે પોલીસ તંત્રએ સંયમથી કામ લીધું પણ ગુરુવારે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. ડીસી જિશાન કમર અને એસપી નાથુ સિંહ મીણા પણ ઘટનાસ્થળે કેમ્પ કરી રહ્યા છે. ગ્રામીણો તરફથી તીર-ધનુષ વડે પોલીસ ટુકડી પર હુમલો કરી દેવાયો હતો.એસડીપીઓ શિવશંકર તિવારી આ હુમલામાં ઘવાયા હોવાની માહિતી મળી હતી.
૧૦૦ એકર જમીન સંપાદિત કરાઈ છે
ઉલ્લેખનીય છે કે તાલઝારી ગામાં ઈસીએલ તરફથી આશરે ૧૦૦ એકર જમીનનું સંપાદન કરાયું હતું પરંતુ ત્યાંના ગ્રામીણો ઈસીએલને જમીન પર કોલસા ખનન કરતા અટકાવી રહ્યા હતા. આશરે ૫ વર્ષથી ચર્ચા વિચારણાં અને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. આ વખતે તંત્રએ હસ્તક્ષેપ કર્યો અને ગ્રામીણોના હઠધર્મ સામે કડક કાર્યવાહી શરૂ કરી.