Today Gujarati News (Desk)
રાજકોટ: શહેરમાં એ.વી જસાણી શાળાની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણે શાળામાં જ મોત નીપજ્યું હતુ. આ મામલે સરકાર એક્શનમાં આવી ગઇ છે. પરિવારના આક્ષેપ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થિનીના મોતનો અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકાર પણ પોસ્ટમોર્ટમની રાહ જોઇ રહી છે જે બાદ જરૂરી કડક પગલાં લેવામાં આવશે. આ ઘટના બાદ જસાણી શાળાએ પોતાના સમયમાં ફેરફાર કર્યો છે. શાળાનો સમય 7:30 ના બદલે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, એટેકના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. જોકે, ફોરેન્સિક પી.એમનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.
શાળામાં જ બેભાન થઇ હતી દીકરી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટની એ.વી. જસાણી શાળામાં મંગળવારે સવારનાં સમયે ચાલુ શાળામાં ધોરણ આઠની 17 વર્ષની રિયા કિરણકુમાર સાગર (સોની) સવારે 7:23 કલાકે અચાનક બેભાન થઇ ગઇ હતા. જે બાદ તેને સ્કૂલની વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જે બાદ માલવીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તો બીજી બાજુ દીકરીનાં પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં વ્હાલસોયી દીકરીનો મૃતદેહ જોઇને પરિવારનાં પગ નીચેથી જમીન જતી રહી હોય તેવા હાલત થયા હતા.