Today Gujarati News (Desk)
મુનાફ બકાલી, જેતપુર: રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટના ઉપલેટામાં આવેલા સેવંત્રા ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજૂબર બન્યા છે. શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા પછી લાંબા સમયથી નવા ઓરડા બન્યા નથી, જેના કારણણે બાળકોએ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. સ્કૂલમાં CCTV અને કમ્પ્યુટરની સુવિધા છે પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી.
સેવંત્રા ગામના સરપંચ, પોલાભાઈ બારૈયા આ વિશે વાત કરતા જણાવે છે કે, શાળાના જે રૂમ જર્જરિત થઈ ગયા હતા તેને પાડી નાખવામાં આવ્યા છે, જ્યાર નવું કામ પ્રોસેસમાં છે. જો આપણને ઠંડી લાગે તો નાના બાળકોને કેટલી ઠંડી લાગતી હશે! હાલ વ્યવસ્થા ના હોવાથી અમારે બાળકોને બહાર બેસાડવા પડે છે તે અમારી મજબૂરી છે.
સરકાર દ્વારા સેવંત્રા પ્રાથમિક શાળાને સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવી છે. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ આજે પણ વખણાઈ રહ્યું છે. જોકે, શાળામાં પાછલા ઘણા સમયથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના ઓરડાની વ્યવસ્થા નથી. જેના લીધે વિદ્યાર્થીઓને ના છૂટકે કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.
ગ્રામજન પૂનાભાઈ બારૈયા આ વિશે વાત કરતા જણાવે છે કે, આટલી કડકડતી ઠંડીમાં પણ બાળકોએ ખુલ્લામાં ભણવા માટે બેસવું પડે છે. મારા પૌત્રો પણ આ જ શાળામાં ભણે છે અને તેઓ મને કહેતા હોય છે કે દાદા આટલી કડકડતી ઠંડીમાં અમારે કઈ રીતે ભણવા માટે જવું? ઠંડીના કારણે બાળકોને તકલીફ પડે છે. આવી સ્થિતિમાં ગ્રામજનો એવી આશા રાખીને બેઠા છે કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ જરુરી નિર્ણય લેવામાં આવવો જોઈએ.
સેવંત્રા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં 189 વિદ્યાર્થીઓ સવાર અને બપોરની પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શાળાના જૂના ઓરડાઓ જર્જરિત થતા ગ્રામજનોની માંગને લઈને નવા ઓરડાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જૂના ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ નવા ઓરડાઓના બાંધકામ અંગેની કામગીરી આજ દિવસ સુધી હાથ ધરવામાં આવી નથી. જેના લીધે ભણવા આવતા વિદ્યાર્થીઓએ ના છૂટકે ટાઢ-તડકામાં ખુલ્લામાં બેસવું પડે છે.