Today Gujarati News (Desk)
આ વર્ષે મૌની અમાસ 21 જાન્યુઆરી, 2023 શનિવારના રોજ છે. આ વખતે મૌની અમાસ પર શનિદેવનો અનોખો સંયોગ સર્જાઈ રહ્યો છે. કહેવાનો અર્થ એ છે કે મૌની અમાસ શનિવારે આવતી હોવાથી આ દિવસને શનિ અમાસ પણ કહેવાય છે. આ દિવસે પ્રયાગરાજના સંગમ પર સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે, ઉપરાંત હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા અને નાસિકમાં ગોદાવરીમાં મૌની અમાસમાં સ્નાન કરવાથી તમને ‘અમૃતના ટીપાં’નો સ્પર્શ મળશે. ટૂંકમાં પાપ ભૂંસાઈ જશે અને મોક્ષની પ્રાપ્તિ થશે.
મૌની અમાસ પર શનિ અમાસ
શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડૉ. મૃત્યુંજય તિવારી જણાવે છે કે આ વર્ષે મૌની અમાસ અને શનિ અમાસ એક સાથે છે. આ દિવસે સ્નાન કર્યા પછી ભગવાન શનિની પૂજા કરો. આ સિવાય તેમને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો, શનિદેવની કૃપાથી તમારા દુઃખ, દર્દ,પીડાઓ દૂર થશે. સાધેસાટી અને ધ્યાયની આડઅસર પણ ઓછી થશે.
મૌની અમાસની તારીખ :
મૌની અમાસ દર વર્ષે માઘ અમાસના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે મૌની અમાસની તિથિ 21 જાન્યુઆરીએ સવારે 06.17 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને મૌની અમાસ 22 જાન્યુઆરીના રોજ સવારે 02.22 વાગ્યા સુધી રહેશે.
મૌની અમાસ પર ગંગા સ્નાનનું મહત્વ :
પૌરાણિક કથાઓ અનુસાર મૌની અમાસના દિવસે સંગમમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે, કારણ કે મહા મહિનામાં સંગમમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મૌની અમાસ મહા મહિનામાં જ આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કયા તીર્થોમાં સ્નાન કરી મેળવાશે ‘અમૃત બૂંદ’નો સ્પર્શ
મૌની અમાસ પર સંગમ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં સ્નાન કરવાથી જે-તે વ્યક્તિના પાપ દૂર થાય છે અને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો અમૃતના ઘડા માટે લડતા હતા. ત્યારે સંગમ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના કેટલાક ટીપા પડ્યા હતા. આ કારણે શ્રેષ્ઠ તિથિઓ પર અહીં સ્નાન કરવાથી વ્યક્તિને ‘અમૃતના ટીપાં’નો સ્પર્શ મળે છે.
મૌની અમાસનું ધાર્મિક મહત્વ
મૌની અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓ તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ કર્મ વગેરે કરીને તૃપ્ત થાય છે. આ સિવાય મૌની અમાસ પર મૌન વ્રત રાખીને પોતાના અંતરમનની અનુભૂતિ કરી શકાય છે અને ભગવાન સાથે જોડાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ વખતે શનિ અમાસ પણ છે તો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો કરી શકો છો.