Today Gujarati News (Desk)
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલી ધોરણ આઠની વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપાડયા બાદ તેણીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તરુણીને સારવાર અર્થે રાજકોટ શહેરની દોશી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં તેણીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ-8 માં અભ્યાસ કરતી રિયા નામની તરુણી આજરોજ સવારના સાડા સાત વાગ્યાની આસપાસ પોતાની સ્કૂલે ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ પ્રાર્થના ખંડમાં પ્રાર્થના પણ કરી હતી. પ્રાર્થના પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિની પોતાના ક્લાસમાં પહોંચી હતી. ત્યારે ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને અચાનક ધ્રુજારી ઉપાડતા તે બેભાન થઈ ઢડી પડી હતી. તેને તાત્કાલિક અસરથી સ્કૂલ સંચાલકોએ બેભાન હાલતમાં સ્કૂલવેનમાં બેસાડી દોશી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. જોકે ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કાઢ્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.સમગ્ર મામલાની જાણ માલવીયા નગર પોલીસને થતા માલવીયા નગર પોલીસના એ.એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ રિયાના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેના પરિવારજનો પીએમ રૂમ ખાતે દોડી ગયા હતા.
મળતી માહિતી મુજબ મૃતક રીયા બે બહેનમાં સૌથી મોટી હતી. રિયાની નાની બહેનનું નામ નિરાલી છે. રિયાના પિતા સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 10 વર્ષથી રિયા અને તેનો પરિવાર યુગાન્ડાના કંપાલામાં રહેતો હતો. જોકે કોરોના કાળમાં કોરોનાના કેસો વધી જતા પરિવાર રાજકોટ શિફ્ટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે અન્ય એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે સીતારામ સોસાયટીમાં રહેતી અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નું ઉલટી થયા બાદ મોત નીપજ્યું હોવાની ઘટના પણ સામે આવી છે. જે બાબતની જાણ આજીડેમ પોલીસને પણ કરવામાં આવી હતી.