Today Gujarati News (Desk)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ ભાજપ કાર્યકારિણીમાં પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રસ્તાવ મૂક્યો હતો અને બધાએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે, જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.
તેમણે ભાજપને બહુ મોટી લોકતાંત્રિક પાર્ટી ગણાવી અને કહ્યું કે, લોકતાંત્ર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘કોવિડ રોગચાળા સમયે જે.પી. નડ્ડાના નેતૃત્વમાં બૂથથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી સેવા એ જ સંગઠન છે, આ મંત્ર સાથે પાર્ટી આગળ વધી છે. તેમના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કોવિડ દરમિયાન લોકોની સેવા કરી હતી. જણાવી દઈએ કે, મંગળવારે ભાજપ કાર્યકારિણીનો બીજો દિવસ છે.ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા 2023માં નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના મહત્વને રેખાંકિત કરી, પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીને આ તમામ ચૂંટણીઓ જીતવા માટે કમર કસી જવાની સલાહ આપી હતી.