Today Gujarati News (Desk)
દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં એકવાર ફરી ઠંડીનો પ્રકોપ વધવાની શક્યતા છે. ઠંડા પવનોની સાથે ગાઢ ધૂમ્મસ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડીને લઈને 6 દિવસનું એલર્ટ જારી કર્યુ છે. IMD અનુસાર દિલ્હી-એનસીઆરમાં આગામી 3 દિવસ ભીષણ ઠંડી રહેશે અને પછી 3 દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ રહેશે.
આજે દિલ્હીના સફદરજંગમાં લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ અને લોધી રોડ પર 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. દિલ્હીમાં 16 જાન્યુઆરીએ લઘુતમ તાપમાન સામાન્યથી 6 ડિગ્રી ઓછુ નોંધાયુ છે. જોકે, દિવસ આગળ વધતા તડકો નીકળ્યો છે. IMDએ દિલ્હીમાં સતત 3 દિવસ 3 ડિગ્રીનું ટોર્ચર અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે, સાથે જ કોલ્ડવેવ રહેશે. IMD અનુસાર 16,17,18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ રહેશે જ્યારે 19,20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગત દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, જે હવે આગળ વધી ચૂક્યો છે.