Today Gujarati News (Desk)
દિગ્ગજ વૈશ્વિક ટેક્નોલોજી કંપની ગૂગલે એન્ડ્રોઈડ મોબાઈલ ટેક્નોલોજીમાં તેની સર્વોપરિતાના દુરુપયોગ અંગેના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના નિર્ણય સામે NCLT સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણીમાં વિલંબના આધારે સુપ્રીમ કોર્ટ પાસે રાહતની માંગ કરી છે. ગૂગલે તેની અરજીમાં કહ્યું છે કે નેશનલ કંપની લો એપેલેટ લો ટ્રિબ્યુનલ (NCLT) તેને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરવાના પરિણામોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.રાહત નહીં મળે તો કંપની મુશ્કેલીમાં મુકાઈ જશે
કંપનીના જણાવ્યા અનુસાર વચગાળાની રાહત નહીં મળે તો તેણે 14-15 વર્ષ સુધી જાળવવામાં આવેલી યથાસ્થિતિમાં ફેરફાર કરવો પડશે અને 19 જાન્યુઆરીથી તેણે તેના સંપૂર્ણ બિઝનેસ મોડલમાં પણ ફેરફાર કરવો પડશે. ગૂગલની આ અરજી પર સોમવારે સુનાવણી થવાની છે. જેમાં તેણે CCIના આદેશ સામે વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરતા NCLATના પગલાને પડકાર્યો છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં કોમ્પિટિશન કમિશને ગૂગલ પર સ્પર્ધાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવીને લગભગ 2,200 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. તેમાંથી, 97 ટકા મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતી એન્ડ્રોઈડ સિસ્ટમના સંદર્ભમાં તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કરવા બદલ રૂ. 1,337.76 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે પ્લે સ્ટોર સંબંધિત નીતિઓને લઈને 936 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.