Today Gujarati News (Desk)
શહેરના વરાછા વિસ્તારમાં ઘનશ્યામનગરમાં તેલના હોલસેલ વેપારીને ત્યાં કામ કરતાં સાળા-બનેવીએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં વેપારીને વિશ્વાસમાં લઇને એક બાદ એક તેલના ડબ્બાની ચોરી કરી નાસી ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સુરતમાં વરાછામાં હોલસેલ તેલના વેપારીને ત્યાં નોકરી કરતા સાળા-બનેવીએ 7.10 લાખના તેલના ડબ્બા અને અન્ય ખાદ્યસામગ્રી મળી 7.52 લાખની ચોરી કરી ફરાર થયા ગયા છે. વરાછામાં એલએચ રોડ પર જોલી એન્કલેવમાં રહેતા તેલના અને ખાદ્યસામગ્રીના હોલસેલ વેપારી હરેશભાઈ રાજાને ત્યાં 2013થી 2016 સુધી કિશોર તૈલી કામ કરતો હતો. પછી કિશોરે નોકરી છોડી તેના સાળા નરેશ તૈલીને નોકરી પર મુકી ગયો હતો. નરેશ પાસે ગોડાઉન અને દુકાનની ચાવી રહેતી હતી. બન્ને ચોરોએ 22મી જુલાઇથી 30મી જુલાઇ સુધી રૂ. 2.11 લાખના 94 તેલના ડબ્બાની ચોરી કરી હતી. જેમાં વેપારીને 2.11 લાખ રૂપિયા આપી દેતા સમાધાન થયું હતું.
જે બાદ વેપારીએ છેલ્લા 60 દિવસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં આ બંને આરોપીએ અગાઉ 7 લાખથી વધુના 300થી વધુ તેલના ડબ્બા ચોરી કર્યા હોવાનું જાણ થતાં સમગ્ર મામલે સીસીટીવી આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થતાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, ત્યારે આરોપીઓ ક્યારે પકડાશે તે જોવાનું રહ્યું. આ ઘટના સામે આવતાં લોકોમાં પણ ચર્ચા થઇ રહી છે કે, ચોરો હવે કિંમતી વસ્તુ કે રોકડ નહીં, તેલના ડબ્બાની પણ ચોરી કરી રહ્યા છે.