Today Gujarati News (Desk)
સુરત શહેરમાં 26 જાન્યુઆરી થી આજ સુધીમાં જુદી જુદી કંપનીની 12 બસમાં આગ લાગી છે. હાલમાં આગ લાગવાની ધટનામાં સતત વધારો થતાં તપાસ સમિતિ મુકવામા આવી છે. આ તપાસ સમિતિએ આપેલા રિપોર્ટમાં હવે પછી આગ ન લાગે તે માટે કેટલાક સુચન કર્યા છે. પરંતુ બસમાં આગ લાગવાની ઘટના પાછળ બસનું નબળું મેઈન્ટેનન્સ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના પગલે સ્થાયી સમિતિ અધ્યક્ષે હવે બસમાં આગ લાગવાનો બનાવ બનશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી દીધી છે.
સુરતની બસમાં આગ લાગવાની ધટનામાં તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે સીટી લીંક માં બસ દોડાવતાં તમામ બસ ઓપરેટર ને બોલાવ્યા હતા. તેઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હાલમાં બસમાં આગ લાગવાની જે ઘટના બની રહી છે તેમાં બસનું તાકીદે યોગ્ય રીતે મેઈન્ટેનન્સ થાય તે જરુરી છે. સાથે સાથે એવું પણ કહી દીધું છે કે, હવે પછી એક પણ બસમાં આગ લાગશે તો જે કંપનીની બસ હશે તેની સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે. આ ઉપરાંત બસ માટે નવા ટેન્ડર જાહેર કરવામા આવશે ત્યારે નવા ટેન્ડરની શરતો માં આગના બનાવો જે બસ ઓપરેટર કંપનીની બસોને થયા છે તેવી કંપનીઓને બસ સંચાલન અને બસ સંદર્ભેના ટેન્ડરની સ્પર્ધામાં લાયક ગણવામાં નહીં આવે તેનો ઉમેરો કરાશે તેમ પણ કહ્યું હતું. સ્થાયી સમિતિના અધ્યક્ષની આ સૂચનાના કારણે સીટી બસમાં નબળું મેઈન્ટેનન્સ થતું હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.
પાલિકાની કમીટીમાં કરવામા આવેલા સુચનો
– ફાયર સેફ્ટી ઓડિટ સક્ષમ એજન્સી પાસેથી દરેક બસો માટે દર બે વર્ષમાં એકવાર કડક રીતે કરવામાં આવે. જે તમામ બસો માટે હાથ ધરવામાં આવશે.
– રેડિયેટરની સપાટીને સ્વચ્છ રાખવા અને અસરકારક એન્જિન હીટ ટ્રાન્સફર નિયમિત જાળવણી, લિકેજને ટાળવા, બધી નળીની પાઈપો, વાયરને યોગ્ય રીતે બાંધીને રાખવા અને ગરમ સપાટીના સંપર્કમાં આવતા અટકાવવા માટે કેબલ/નળીની પાઈપો વ્યવસ્થિત રીતે બાંધેલી હોવી જોઈએ.
– તમામ બસોમાં એન્જિન હૂડ ફાયર રિટાર્ડિંગ સામગ્રીની તપાસ કરવામાં આવશે અને કોઈપણ વિલંબ કર્યા વિના તમામ બસોમાં તે જ સુનિશ્ચિત કરવામાં આવશે.
– તમામ બસોમાં ઓઇલ સ્પીલને રોકવા માટે સૂચના આપવામાં આવી છે.
– છેલ્લા બે મહિનાના મેઇન્ટેનન્સ રિપોર્ટ્સ તપાસવા અને છેલ્લા બે મહિનામાં શરૂઆતની સમસ્યા, રેડિયેટર પંપની સમસ્યા, ધુમાડાની સમસ્યા ધરાવતી બસોને અલગ પાડવાની કડક સૂચના આપવામાં આવી છે.