टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે સરકારે એક મુહિમ શરૂ કરી છે. ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે એક જ દિવસમાં અલગ અલગ છ જેટલા પોલીસ સ્ટેશનમાં 30 જેટલા ગુના દાખલ કર્યા છે. જો કે, સમગ્ર ઘટનામાં 27 લોકોની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે. કારણ કે મહત્વના ઉદ્યોગો અહીંયા છે. જેને લઇને દેશભરના અલગ અલગ રાજ્યમાંથી લોકો રોજગારીની તલાશમાં સુરતમાં આવીને વસેલા છે. કેટલાક વ્યક્તિઓ પોતાનો વેપાર કરતા હોય છે. ત્યારે આવા લોકોને જરૂરિયાતમંદને પૈસા આપી તેમની પાસેથી મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલવાની ફરિયાદો સતત પોલીસ સામે આવતી હોય છે અને તાજેતરમાં સરકાર દ્વારા વ્યાજખોરો સામે ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે.
વિવિધ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી
સુરત પોલીસના ઝોન પાંચના ડીસીપી હર્ષદ મહેતાની આગેવાનીમાં તેમના વિસ્તારમાં આવતા અડાજણ, પાલ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી અને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે આવેલી ફરિયાદમાં 30 જેટલા ગુના પોલીસે દાખલ કર્યા હતા. જેમાંથી માત્ર ચાર કે પાંચ જ ફરિયાદમાં ફરિયાદીઓ સામે આવ્યા હતા. બાકીની તમામ ફરિયાદોમાં પોલીસ ફરિયાદી બન્યા હતા અને 27 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી. જ્યારે 22 જેટલા આરોપીઓને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે અનેક દસ્તાવેજ કબ્જે કર્યા
આ તમામ વ્યાજખોરોએ પોતાના વિસ્તારમાં ગરીબોને પૈસા આપી બે ટકાથી શરૂ થઈ 10% સુધીનું વ્યાજ વસુલી તેમનું લોહી ચૂસવાનું કામ કરતા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાથે એક ફરિયાદીના ફ્લેટનો દસ્તાવેજ, વ્યાજની 19 ડાયરી, વ્યાજના હિસાબોની નાની મોટી પાંચ બુક, પ્રોમિસરી નોટ, ફરિયાદીનું મોટરસાયકલ, સોનાની ચેન અને દુકાનના દસ્તાવેજ પણ કબજે કર્યા હતા. છેલ્લા એક મહિનામાં પોલીસે 100 કરતાં વધુ ગુના દાખલ કરી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.