Gujarat News: ગત મોડી રાત્રે વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માતમાં બે ભાઈ અને બંનેની પત્નિ અનેક એક વર્ષનાં બાળકનું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો.
પરિવારજનો વતનથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજપ વડોદરા શહેરમાં રહેતો પરિવાર વતનમાંથી ગત મોડી રાત્રે પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન વડોદરાથી જાંબુવા બ્રિજથી તરસાલી તરફ પરિવાર જઈ રહ્યો હતો. તે દરમ્યાન સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર કાર ધુસી જતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત નિપજ્યા હતા.
તમામ મૃતકો વડોદરાનાં રહેવાસી
આ સમગ્ર મામલે મકરબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ મૃતકો વડોદરાનાં આજવા રોડ પર આવેલી મધુનગરનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતુ.
કારમાં સવાર ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ
નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તે બાબતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા ફાયર બ્રિગ્રેડ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ઘરી હતી. ત્યારે અલ્ટો કારમાં સવાર એક વર્ષનાં માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર ચાર વર્ષની બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો.