Gujarat News: મેઘરજ તાલુકાના એક ગામમાં પતિ મૃત્યુ પામતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી એક મહિલા ત્રણ બાળકો સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી. આ મહિલા મેઘરજ બજાર વિસ્તારમાં એક દુકાનની બહાર રડતી હતી અને દવા પી મરી જવાની વાત કરતી હતી. આ દરમિયાન એક જાગૃત્ત નાગરિકે 181 હેલ્પ લાઈનને જાણ કરતાં અભયમ ટીમના કાઉન્સેલર ચેતના ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન તાત્કાલિક દોડી પહોંચ્યા હતા.
મહિલાનું કાઉન્સિલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, મહિલા રાજસ્થાનની હતી અને મેઘરજ તાલુકાના એક ગામમાં લગ્ન કર્યા હતા. બે માસ પહેલાં જ મહિલા જ મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હતો અને સાસુ-સસરા મહિલાને હેરાન કરતા હતા તેમજ પિયરમાં જતી રહેવા માટે દબાણ કરતા હતા.
આ મહિલાને ત્રણ બાળકો હોય બાળકો લઈને પિયરમાં પણ આખી જિંદગી કેવી રીતે રેહવુ તે પ્રશ્ન ઉભો થયો હતો. આખરે મહિલાને કોઈ રસ્તો ન મળતાં જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવાનું વિચારયું હતું. અભયમની ટીમે મહિલાની આપવીતી સાંભળી હતી અને બાદમાં કાઉન્સિલિંગ કરી મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી આવા બધા ખોટા વિચાર મગજમાં ન લાવવા મહિલાને સમજાવી હતી.
બીજી તરફ મહિલાને તેની સાસરીમાં લઈ જઈ સાસુ-સસરા તેમજ કુટુંબના બીજા સભ્યોને ભેગા કરી અભયમની ટીમે કાયદાકીય રીતે બેભાને સમજાવ્યા હતા. મહિલાને હવે પછી કોઈ તકલીફ ના પડવી જોઈએ તે રીતે લેખિતમાં લખાણ કરાવી બધાને હળી મળી શાંતિથી રહેવા સમજાવી હતી અને મહિલાને આપઘાત કરતાં પહેલાં બચાવી લેવામાં આવી હતી.