Today Gujarati News (Desk)
ભારતમાં ઈઝરાયેલના ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ માહિતી આપી હતી કે તેમણે હાઈફા પોર્ટ કંપની (HPC)ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ હાઈફા પોર્ટ અદાણી ગ્રુપનું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) અને ઇઝરાયેલના ગેડોટ ગ્રૂપના કન્સોર્ટિયમે ગયા વર્ષે જુલાઇમાં ઇઝરાયેલના વ્યૂહાત્મક બંદર હાઇફાનું ખાનગીકરણ કરવા USD 1.18 બિલિયનનું ટેન્ડર જીત્યું હતું.
મલ્કાએ ટ્વીટ કર્યું, ‘અદાણી ગ્રુપ વતી આજે હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળીને હું સન્માનિત છું. પોર્ટના સ્ટાફના સમર્પણ સાથે અદાણી અને ગેડોટનો અનુભવ અને કુશળતા હાઈફા પોર્ટને નવા સ્તરે લઈ જશે.’
2018 અને 2021 વચ્ચે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત
મલ્કાએ 2018 થી 2021 સુધી ભારતમાં ઈઝરાયેલના રાજદૂત તરીકે સેવા આપી હતી. હાઇફા બંદર શિપિંગ કન્ટેનરની દ્રષ્ટિએ ઇઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર છે અને પ્રવાસી ક્રૂઝ જહાજોના શિપિંગમાં સૌથી મોટું છે. આ વર્ષે જાન્યુઆરીમાં, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અન્ય ટોચના ઇઝરાયેલ અધિકારીઓએ પણ અદાણી જૂથ દ્વારા ઇઝરાયેલ પોર્ટને હસ્તગત કરવાના સમારોહમાં હાજરી આપી હતી. ઇઝરાયેલ સરકારને આશા છે કે દેશમાં અદાણી ગ્રૂપનો મોટો પ્રવેશ વધુ ભારતીય રોકાણોને પ્રોત્સાહિત કરશે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને સંરક્ષણ ક્ષેત્રે.